• સોમવાર, 16 જૂન, 2025

નાની વિરાણીમાં આખલાએ પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ઉલાળતાં જીવનદીપ બુઝાયો

ભુજ, તા. 9 : નખત્રાણા તાલુકાના નાની વિરાણી (વાંઢ)માં આજે 70 વર્ષીય બુઝૂર્ગ પ્રજ્ઞાચક્ષુ રબારી સોમા વસ્તાને આખલાએ શિંગડા ભરાવી ઉલાળી દેતાં ગંભીર ઈજાના પગલે તેમનો જીવનદીપ બુઝાયો હતો. બીજી તરફ મુંદરા તાલુકાના વડાલામાં 23 વર્ષીય યુવાન રાજેશ ધરમશી જોગીએ કોઈ અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ મોતને વહાલું લીધું હતું. નખત્રાણાના અમારા પ્રતિનિધિએ આપેલી વિગતો મુજબ નાની વિરાણી (વાંઢ) ગામે 70 વર્ષના બુઝૂર્ગ પ્રજ્ઞાચક્ષુ રબારી સોમા વસ્તા ગઈ કાલે પોતાના ઘેર  જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા આખલાએ શિંગડા પેટમાં ભરાવી ઉપાડી લઈ ઉલાળી દીધા હતા. ગંભીર ઈજાના પગલે સારવાર મળે તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાયો હતો. આ બનાવથી ગામમાં અરેરાટી ફેલાઈ હતી. નખત્રાણા તાલુકા પંથક તથા શહેરમાં ફરતા આખલા થકી અનેક લોકો મોતના મુખમાં ધકેલાય છે, ત્યારે સ્થાનિક સત્તાધારીઓ આ સમસ્યાનો રસ્તો કાઢે તેવું જાગૃતોની માંગ હોવાનું રબારી હીરા લાખાએ જણાવ્યું હતું. બીજી તરફ મુંદરા તાલુકાના વડાલા ગામે એકલા રહેતા યુવાન રાજેશ જોગીએ ગઈ કાલે બપોરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો, તેને સારવાર અર્થે મુંદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મુંદરા મરીન પોલીસ મથકે મૃતકના કાકા ભુરા આશા પારાધીએ વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd