પાટણ, તા. 22 (પ્રતિનિધિ) : પાટણ એસઓજી પોલીસે
સાંતલપુરમાં એપ્રિલ 2023માં નોંધાયેલા
બાયોડીઝલ કૌભાંડના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડયો છે. અંજારના ક્ષત્રિય સમાજવાડી પાસેથી
પકડાયેલો આરોપી ક્રિપાલાસિંહ સુખદેવાસિંહ ઝાલા છેલ્લાં બે વર્ષથી ફરાર હતો. આ કેસની
વિગતો મુજબ, જૂન 2022માં પાટણ એલસીબી પોલીસે સાંતલપુરના
પીપરાળા ચેક પોસ્ટ પાસેથી એક ટેન્કર પકડયું હતું. મધરાત્રે 2.30 વાગ્યે પકડાયેલાં આ ટેન્કરમાંથી
બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં બહાર
આવ્યું કે, આરોપીઓએ બેઝ ઓઈલનાં નામે
લાઈટ ડીઝલ ઓઈલનું ગેરકાયદે પરિવહન કર્યું હતું. રાજસ્થાનની પેટ્રો પ્રા.લિ.માંથી બેઝ
ઓઈલનું લાઈટ ડીઝલ ઓઈલ મંગાવવામાં આવ્યું હતું. ગાંધીધામની કૃષ્ણા બલ્કે કેરિયર્સે ખોટા
બિલ બનાવ્યા હતા. પોલીસે 18,967 કિલો
શંકાસ્પદ બેઝ ઓઈલ કબજે કર્યું હતું, જેની કિંમત 10.58 લાખ રૂપિયા
હતી. 15 લાખની કિંમતનું ટેન્કર મળી
કુલ 25.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો. આ કેસમાં આઈપીસીની કલમ 285, 420, 465, 467, 468,471,
120(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.