• સોમવાર, 16 જૂન, 2025

માધાપર પાસે ભુજના યુવાનનું ભેદી સંજોગોમાં મોત

ભુજ/ગાંધીધામ, તા. 20 : આજે સવારે ભુજની ભાગોળે માધાપર ધોરીમાર્ગે મૂળ દીપાઇ હાલે ભુજના  જેષ્ઠાનગરમાં રહેતા 45 વર્ષીય યુવાન રામસિંઘ દલીસિંઘ સોનીની લાશ મળતાં તેના મૃત્યુ પાછળના કારણો જાણવા તજવીજ આદરાઇ છે. બીજી તરફ ગાંધીધામના કાસેઝ પાસે રામસિંહ (ઉ.વ.36)નું પણ મોત થતાં તેના મોતનાં કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળથી ગઇકાલે મોટી તુંબડીમાં કંપનીમાં મજૂરી અર્થે આવેલા 30 વર્ષીય શ્રમિક ભારાવાડા રામ ફોજદારનું આજે મોત નીપજ્યું હતું, જ્યારે ગઇકાલે નાની અરલમાં 26 વર્ષીય પરિણીતા લક્ષ્મીબા ભરતસિંહ જાડેજાએ અને આજે ગડા પાટિયની વાયબલ કોલોનીમાં પરપ્રાંતીય 57 વર્ષીય વૃદ્ધ રાજેશ લીલાધર ભીખેએ ગળેફાંસા ખાઇ જીવન ટુંકાવ્યા હતા. માધાપર ધોરીમાર્ગ દીપક પેટ્રોલપંપની સામે અનિલ ઓટો ગેરેજની બાજુવાળી ગલીમાં  અંદરના ભાગે આજે સવારે 10 વાગ્યાના અરસામાં રામસિંઘની લાશ મળતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો રામસિંગના પુત્ર સુરેશે હોસ્પિટલની પોલીસચોકીમાં નોંધાવી હતી. રામસિંઘના મોતનાં કારણો જાણવા તજવીજ આદરાઇ છે. બીજી તરફ ગાંધીધામમાં કાસેઝ પાસે રહેનાર રામસિંહ નામના યુવાને જીવ ખોયો હતો. ગઇકાલે રાત્રે આ યુવાનના ભાઇ રાહુલસિંઘે તેનો અવાજ સાંભળીને દોડીને તેની પાસે જતાં આ યુવાન બેભાન અવસ્થામાં મળ્યો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યે હતો. તેને કોઇ જંતુ કરડી ગયું હતું કે આપઘાત કર્યો હશે કે અન્ય કોઇ રીતે તેનું મોત થયું હશે તે જાણવા તપાસ કરનાર ફોજદાર સી.એચ.  બડિયાવદરાનો સંપર્ક કરતાં  તેમણે ફોન ન ઉંચકતાં  વધુ વિગતો જાણી શકાઇ નહોતી. મૂળ પશ્ચિમ બંગાળના હાલે મોટી તુંબડી રામાવત ઇન્ફ્રા પ્રોજેક્ટમાં મંજૂરી કામ કરતો 30 વર્ષીય શ્રમિક ભારાવાડા રામ ફોજદાર હજુ ગઇકાલે રાતે જ પશ્ચિમ બંગાળથી અહીં આવ્યો હતો અને આજે બપોરે તેનું મૃત્યુ થયું હતું. સહકર્મી તેઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીથી મળી છે. નખત્રાણા તાલુકાના નાની અરલમાં 26 વર્ષીય પરિણીતા લક્ષ્મીબા ભરતસિંહ જાડેજાએ ગઇકાલે અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. લક્ષ્મીબાના પિતા દીપસિંહ ગુલાબસિંહ સોઢાએ નખત્રાણા પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ તેમની પુત્રી લક્ષ્મીબાનાં લગ્ન પાંચેક વર્ષ પૂર્વે ભરતસિંહ  સાથે કર્યાં હતાં. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. સોમવારે બપોરે પોતાનાં ઘરે નાની અરલમાં  લક્ષ્મીબાએ  કોઇ અગમ્ય કારણોસર ઘરે કોઇ ન હતા ત્યારે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ લેતાં મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. વિનસ પાઇપ કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતા પરપ્રાંતીય એવા રાજેશ ભીખેએ આજે બપોરે કોઇ અગમ્ય કારણે ગડા  પાટિયાની વાયબલ કોલોનીમાં ગળેફાંસો ખાઇ લેતાં કંપનીના સેફટી ઓફિસર કુલદીપ તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd