ગાંધીધામ, તા. 15 : રાપર તાલુકાનાં સેલારી ગામમાં
જૂની પંચાયત કચેરીમાં ઉપસરપંચના પતિએ પોતાની પૌત્રીને રહેવા સામાન રાખતા તેવું ન કરવાનું
કહેતાં સરપંચે કહેતાં બે શખ્સે સરપંચને ધાક-ધમકી કરી હતી. સેલારી ગામના સરપંચ એવા ફરિયાદી મહેશ ધનજી ચૌધરી
(લેઉઆ પટેલ) તથા સભ્યો, ઉપસરપંચ અને
ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં નવી પંચાયત મંજૂર થયેલ
છે અને જૂની પંચાયતનું મકાન તોડવાની મંજૂરી આવી ગઈ છે, જે માટે
હરાજી કરવા નિર્ણય લેવાયો હતો. બાદમાં તા. 12/4ના ઉપસરપંચ ધનબાઇના પતિ હબીબ ઉમર સોઢાએ પોતાની પૌત્રીને રહેવા
માટે જૂની પંચાયતનાં મકાનમાં સામાન રાખતાં ફરિયાદીને તેની જાણ થઈ હતી, જેથી ફરિયાદીએ આ શખ્સને ફોન કરતાં તેણે ફરિયાદીને
ગાળો આપી ધાક-ધમકી કરી હતી. ફરિયાદીએ ગામના અગ્રણીઓને મળીને આ વાત કરી હતી. બાદમાં તા. 13/4ના સરપંચ તથા અન્ય અગ્રણીઓ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવા જવાના
હોવાની જાણ થતાં હબીબ સોઢાના દીકરા અયાન ઉર્ફે અન્યોએ ફરિયાદીને રસ્તામાં રોકી ગાળાગાળી
કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બન્ને શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.