• ગુરુવાર, 01 મે, 2025

માધાપર પોલીસે સાડા ચાર માસમાં 1577 ટ્રાફિક સંબંધિત કેસ કર્યા

ભુજ, તા. 15 : પ્રાણઘાતક અકસ્માતના બનાવોથી પંકાયેલા માધાપર ધોરીમાર્ગ પર આવા બનાવો અટકાવવા માધાપર પોલીસે ટ્રાફિક સંબંધે જાગૃતિના કાર્યક્રમો ઉપરાંત દંડકીય કાર્યવાહી કરી હતી. 2025ના ચાલુ વર્ષના સાડા ચાર માસ દરમ્યાન 1577 કેસ ઉપરાંત ખાણ-ખનિજ ધારા તળે રૂા. 7,42,796નો દંડ વસૂલવામાં આવ્યો હતો. માધાપર પોલીસે છેલ્લા સાડા ચાર માસ દરમ્યાન ટ્રાફિક સંબંધિત કરેલી કામગીરી અંગે જાહેર કરેલી વિગતો મુજબ ભુજ-ખાવડાના ધોરીમાર્ગ પર ભારે વાહનો દિન-પ્રતિદિન વધતાં અકસ્માતના બનાવો વધ્યા હોવાથી આવા પ્રાણઘાતક અકસ્માતો અટકાવવા ટ્રાફિક જાગૃતિ અને નિયમનની કામગીરી માટે આવાં અકસ્માત ઝોનના સ્થળો ધ્યાને લેવાયાં હતાં. પાલારા જેલથી લોરિયા-ખાવડા જતો માર્ગ, માધાપર પોલીસ ચોકીથી નળ સર્કલ અને પોલીસ ચોકીથી શેખપીર જતા માર્ગે અવાર-નવાર વાહન તલાસી અને ટ્રાફિક સંબંધિત કામગીરી કરી નિયમભંગ વાહન વિરુદ્ધ કેસ તથા દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સાડા ચાર માસ દરમ્યાન હેલ્મેટના 32, સીટ બેલ્ટ 41, મોબાઇલ ફોન ઉપયોગના 18, ઓવર સ્પીડના 29, માલવાહક વાહનમાં મુસાફર બેસાડવા સંબંધેના 149, રેડિયમ-રિફ્લેક્ટર ન લગાડવા સંબંધે 158 તથા અન્યો એમ કુલ મળીને 1577 કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખાણ-ખનિજ ધારા-34 હેઠળ રૂા. 7,42,796નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક જાગૃતિ અન્વયે 26મી જાન્યુ.ના ભુજથી ધોરડો હેલ્મેટ સાથે બાઇક રેલી કરી હેલ્મેટ જાગૃતિ અભિયાન તથા તા. 23/3ના માધાપરમાં વાહનચાલકોની આંખ તપાસણીનો આરોગ્ય કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં પીઆઇ ડી.એમ. ઝાલા તથા પોલીસ સ્ટાફ જોડાયા હોવાનું માધાપર પોલીસે યાદીમાં જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd