• ગુરુવાર, 01 મે, 2025

ભુજમાં પગે જતા વૃદ્ધને કારે ઝપટમાં લઈ ઢસડીને ગંભીર ઈજા પહોંચાડતાં મોત

ભુજ, તા. 15 : ગઈકાલે સવારે શહેરના ભીડનાકાના સર્કલ પાસે માર્ગ ઓળંગતા વૃદ્ધ મામદભાઈ અબુભા ખાટકીને પૂરપાટ આવેલી કારે ઝપટમાં લઈ થોડે દૂર સુધી ઢસડી લઈ જતાં ગંભીર પ્રકારની ઈજા પહોંચાડતાં કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ ગુરુવારે રાત્રે લખપત તાલુકાના ફુલરાથી નાના વાલકા બાઈકથી ગયેલા બે યુવાનની બાઈકને ઘડાણીના વળાંક પાસે બોલેરો સાથે અકસ્માત નડતાં જયેશ વાલજીભાઈ બડિયાનું ગંભીર ઈજાના લીધે મૃત્યુ થયું હતું, જ્યારે દિનેશ હરિલાલ સીજુને સારવાર અર્થે દાખલ કરાયા છે. ગઈકાલે સવારે છ વાગ્યાના અરસામાં ભીડનાકા સર્કલ પાસે વૃદ્ધ મામદભાઈ ચાની દુકાનેથી ભીડનાકા તરફ ચાલીને આવતા હતા અને માર્ગ ઓળંગી રહ્યા હતા, ત્યારે સુરલભિટ્ટ રોડ તરફથી પૂરપાટ આવતી ફોરવ્હીલર ગાડી નં. જીજે-01-આર.વી.-8732એ તેમને ઝપટમાં લઈ થોડે દૂર સુધી ઢસડી અકસ્માત કર્યો હતો. એકત્ર લોકોએ મામદભાઈને ગાડી નીચેથી કાઢી તે જ ગાડીમાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં કારચાલક હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો. ફરજ પરના તબીબે મામદભાઈને તપાસતાં તેને મૃત જાહેર કર્યા હતા. હાજી સલીમ ખાટકીએ કારચાલક વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે સાંજે ફુલરાથી નાના વાલકા ફઈના ઘરે હોળી નિમિત્તે જયેશ બડિયા તેની બાઈક સાઈન નં. જીજે-12-ડીક્યુ-1109વાળી લઈને મળવા ગયો હતો, ત્યાંથી પરત ફરતી વેળાએ જયેશ તથા નાના વાલકાનો દિનેશ હરિલાલ સીજુ મેચ જોવા ગયા હતા અને ત્યાંથી ચા પીવા રવાપર જતા હતા, ત્યારે ઘડાણી હરિપર જતા માર્ગે વળાંક પાસે સામેથી આવતી બોલેરો પીકઅપ નં. જીજે-18-બીટી-4593વાળી સાથે અકસ્માત સર્જાતાં બંને યુવાનને નખત્રાણા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જયેશને મોઢાના ભાગે તથા હાથ-પગમાં ગંભીર ઈજા થઈ હતી. તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે દિનેશને માથા તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજા હોવાથી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. નખત્રાણા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd