• ગુરુવાર, 01 મે, 2025

કંડલા અને લાખાપરના યુવાનો વીજશોકમાં ભરખાયા

ભુજ, તા. 15 : કંડલામાં 22 વર્ષીય યુવાન સરતાઝ મિરગા મુસ્લિમ અને અંજાર તાલુકાના લાખાપરના 18 વર્ષીય નવયુવાન જિગરભાઇ અમરત મુનિયાને વીજશોક ભરખી ગયા હતા, જ્યારે અબડાસા તાલુકાના ત્રંબૌ ખાતે રહેતા 30 વર્ષીય મહિલા રમીલાબેન ગોવિંદ કોળીએ અને મોટી વરંડી ખાતે રહેતા 27 વર્ષીય યુવાન લખમણ વેલજી કટુઆએ ગળેટૂંપો ખાઇ પોતાના જીવ દીધા હતા. આ ઉપરાંત ભુજના બળદિયા ખાતે રહેતા માનસિક બીમારીથી પીડિત 41 વર્ષીય આધેડ મહિલા વિજયાબેન હિંમતલાલ શોખાએ માનસિક બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઇ જતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. કચ્છ સોલ્ટ કંડલા (તા. ગાંધીધામ) ખાતે રહેતો યુવાન સરતાઝ ગઇકાલે નોકરી પરથી પોતાના ઘરે પરત આવ્યો અને ઘરનો દરવાજો ખોલતાં જ તેને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો, આથી તેને પ્રાથમિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આદિપુરની રામબાગ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવો જ વીજશોકનો જીવલેણ બનાવ અંજાર તાલુકાના લાખાપરની વાડીએ પણ બન્યો હતો. ગઇકાલે સવારે ત્યાં જિગર નામનો યુવક ઇલેક્ટ્રિક બોર્ડની પીન સરખી કરી રહ્યો હતો, ત્યારે તેને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં તેનો જીવનદીપ બુઝાયો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર્યવાહી આદરી છે. અબડાસા તાલુકાના ત્રંબૌ ખાતે રહેતા મહિલા રમીલાબેન કોલીએ ગઇકાલ રાતથી આજ સવાર સુધીમાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ   આદરી છે. ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો અન્ય એક બનાવ અબડાસા તાલુકાના મોટી વરંડી ખાતે પણ ગઇકાલે બન્યો હતો. તા. 14-3ના સવારના સાત પહેલાં કોઇ પણ સમયે લખમણે કોઇ અકળ કારણે પોતાના મકાનની લાકડાંની આડીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ તાલુકાના બળદિયામાં રહેતા 41 વર્ષીય આધેડ વિજયાબેન શોખા માનસિક બીમારીથી પીડાતા હતા. તેમણે તા. 13-3ના રાત્રે તેમની માનસિક બીમારીની ગોળીઓ વધુ પડતી ખાઇ લેતાં જેની આડઅસર થતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં બીજા દિવસે તા. 14-3ના રાત્રે તેમનો જીવનદીપ બુઝાયો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd