દુધઈ, તા. 15 : અંજાર તાલુકાના ધમડકા નજીક
આવેલાં તળાવમાં એક સાથે પાંચ બાળક ડૂબ્યાં
હોવાના અહેવાલ મળતાંની સાથે વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવમાં હિંગોરજાવાંઢમાં રહેતા ઇસ્માલ સાલેમામદ હિંગોરજા
(ઉ.વ. 8), ઉંમર અદ્રેમાન ઉર્ફે અબ્દુલ
રહેમાન (ઉ.વ. 11), મુસ્તાક જુસબ હિંગોરજા (ઉ.વ.
14) તથા અલ્ફાઝ અરમિયા હિંગોરજા
(ઉ.વ. 9)નું મૃત્યુ થયું હતું, જ્યારે મોડી રાત્રિના પાણીમાં ગરકાવ થયેલાં
અન્ય બાળકની શોધખોળ જારી હોવાની વિગતો સપાટી
ઉપર આવી હતી. દુધઈથી અંદાજિત ચાર કિલોમીટરનાં અંતરે ધમડકા-ભવાનીપુરની બાજુમાં આવેલાં તળાવમાં આજે બપોરના 3.15 વાગ્યના અરસામાં આ કરુણાંતિકા
સર્જાઈ હતી. બનાવ સ્થળે થતી ચર્ચામાંથી બહાર આવેલી વિગતો અનુસાર માલધારી પરિવારનાં બાળકો બપોરના અરસામાં તળાવ પાસે આવ્યા હતા. તે સમયે ભેંસ
બહાર કાઢવા માટે બાળકોએ પ્રયાસ શરૂ કર્યો હતો. તે સમયે અચાનક એક બાળક કોઈ પ્રકારે પાણીમાં
ગરકાવ થયું હતું. ત્યારબાદ જોતજોતાંમાં પાંચ
બાળક પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. બાળકોના મૃતદેહ પાણીમાં તરતા નજરે પડતાં સમગ્ર
ઘટના બહાર આવી હતી. તળાવમાં બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ મળતાંની સાથે ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ બનાવ સ્થળે ધસી
ગઈ હતી. આ ટીમે તળાવમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી. ભારે શોધખોળ બાદ
ચાર બાળકને દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયાં હતાં. અહીં ફરજ ઉપરના તબીબે
આ બાળકોને મૃત જાહેર કરતાંની સાથે જ પરિવાર ઉપર આભ ફાટયું હોય તેવી કરુણાંતિકા સર્જાઈ
હતી. સરકારી આરોગ્ય કેન્દ્રમાં પરિવારજનોના રુદન સાથે વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી.
અમારા દુધઈના પ્રતિનિધિ ભાવેશભાઈ ઠક્કરે એ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હિંગોરજાવાંઢમાં
અંદાજિત 250થી 300 લોકો રહે છે. આ પરિવાર મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો
છે. પવિત્ર રમજાન મહિનામાં ગરીબ માલધારી પરિવાર ઉપર કુદરતના કુઠારાઘાતથી કોણ કોને સાંત્વના
આપે તેવી સ્થિતિ પરિવારમાં સર્જાઈ છે. આ લખાય છે ત્યારે 11 વાગ્યા સુધીના અરસામાં પાણીમાં ગરકાવ થયેલ તાહીર અદ્રેમાન હિંગોરજા
(ઉ.વ. 11)ને શોધવા માટે વહીવટી તંત્રની ટીમે કવાયત હાથ ધરી છે.દરમ્યાન અંજાર મતવિસ્તારના
ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સમગ્ર બનાવની સમીક્ષા કરી વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી
હતી. તળવામાં બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર દુધઈ પંથકમાં વહેતાં થવાની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બચાવ કામગીરી માટે બનાવ સ્થળે ધસી ગયા હતા.નાનાકડી હિંગોરજાવાંઢમાં
એક સાથે ચાર બાળકનાં મૃત્યુ થતાં આ વિસ્તાર હિંબકે ચડયો હતો. દુધઈ પી.આઈ. આર.આર. વસાવાએ
બનાવ સ્થળે જઈને તમામ કાર્યવાહી આરંભી હતી.
મૃતકમાં હિંગોરજાવાંઢના અબ્દુલ કરીમ (મિંયાજી) પરિવારના દોહિત્ર, જુબેર જાકબ હિંગોરજા પરિવારનાં બાળકોનો સમાવેશ
થાય છે, તેવું કોર્પોરેટ પ્રતિનિધિ અઝીમ શેખે ઉમેર્યું હતું.
- ભચાઉમાં એક
સાથે ત્રણ બાળક ડૂબી ગયાં હતાં : ગાંધીધામ, તા. 15 : ધમડકા પાસે હિંગોરજા વાંઢના પાંચ બાળકનાં
ડૂબી જવાથી મોત નીપજવાના બનાવથી કચ્છમાં અરેરાટી પ્રસરી છે, ત્યારે આ બનાવના પગલે ભચાઉમાં વિધાનસભાની ચૂંટણી વખતે ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના તાજી થઈ હતી. ભચાઉની ખાનગી શાળામાં
અભ્યાસ કરતાં બાળકો શાળા છૂટયા બાદ
કેનાલમાં નાહવા પડયા હતા અને ઊંડી કેનાલમાં
ડૂબી ગયા હતા. પરપ્રાંતના વતની એવા આ બાળકોના મૃતદેહ ત્રણ દિવસની વ્યાપક શોધખોળ બાદ
મળ્યા હતા.