રાપર, તા. 13 : ગરમ તાસીર ધરાવતા વાગડનાં અનેક ગામોમાં સરકારી કે ગૌચર જમીન
પર કાચાં પાકાં બાંધકામ થઈ ગયાં છે. ભૂતકાળમાં
જમીન દબાણ બાબતે ગૌચર દબાણ હટાવવા લાંબા
સમય સુધી આત્મવિલોપનનો પ્રયાસ, અનશન સહિતનાં આંદોલનો થયાં હતાં. તાલુકાના ફતેહગઢમાં
ફરિયાદ બાદ તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર થયેલાં દબાણો દૂર કર્યાં હતાં. રાપર તાલુકાના
ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો કરી કાચાં પાકાં બાંધકામ કરેલા શખ્સોના ગેરકાયદે દબાણો
પર તંત્ર દ્વારા હથોડો પછાડવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના સરકારી જમીન પર દબાણ કરનારા સાદુર માદેવા ગોયલ,
અયુબ જુસબ કુંભાર, રબારી પરબત સોમા, રબારી લખમણ બધાને દબાણો દૂર કરવા માટે
ફતેહગઢ ગ્રામ પંચાયત મારફતે રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વખત નોટિસ
આપવા છતાં દૂર ન કરવામાં આવતાં આજે દૂર કરવામાં આવ્યાં હતાં. તાલુકા મથક રાપરમાં આવાં
દબાણોએ માઝા મૂકી છે. ભૂતકાળમાં ડેપ્યુટી કલેકટર શ્રી તિવારીએ કરેલાં ઓપરેશન ડિમોલીશનને
કારણે રાપરની બજારો પહોળી થઇ ગઈ હતી, જે આજે પણ લોકો યાદ કરે
છે, તો પી.આઈ. આર. એલ. રાઠોડે પણ નગરપાલિકાના સહયોગથી દબાણ હટાવવા
પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ દબાણ હટાવાયાં બાદ તકેદારી નહીં રખાતાં
ફરી યથાવત્ સ્થિતિ થઈ જાય છે. આ કાર્યવાહી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભૂપતદાન ગઢવી,
વહીવટદાર જીતુદાન ગઢવી, તલાટી એન. ડી. સોલંકી,
પોલીસ હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.