વવાર (તા. મુંદરા), તા. 5 : સતત ધમધમતા અંજાર-મુંદરા નેશનલ હાઈ-વેમાં
ગુરુવારનાં સવારે મોખા ટોલ પ્લાઝા આગળ બનેલી અકસ્માતની ઘટનામાં પાર્કિંગ પાસે મુંદરા
તા.ના મોખાના સરપંચ તિલક ફફલની કારને ટ્રેઇલરે અડફેટે લીધી હતી અને કારનો બૂકડો બોલી
ગયો હતો. સદભાગ્યે કારમાં બેઠેલા અન્ય બે વ્યક્તિને નાની-મોટી ઇજાઓ જ થઈ હતી અને આબાદ
બચાવ થયો હતો. મોખાના સરપંચ તિલક ફફલે જણાવ્યું હતું કે, નેશનલ હાઇ-વે અડીને અદાણી
કંપની દ્વારા પાર્કિંગ બનાવ્યું છે. અહીં થોડા સમય પહેલાં પણ અકસ્માતો થયા હતા. જવાબદાર
વ્યક્તિઓને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે. અહીં કોઇ બમ્પ પણ નથી. પાર્કિંગમાંથી આવતા
વાહનોને કારણે હાઇ-વે પર એટલી ધૂળ જામેલી છે કે, સામેથી આવતાં વાહનો દેખાતાં જ નથી,
અને અકસ્માતો થાય છે. અહીં ભારે ટ્રાફિક છે, ત્યારે સંબંધિત તંત્રએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા
ગોઠવી જોઈએ.