ગાંધીધામ, તા. 5 : પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર
રીતે માટીચોરીનું પ્રમાણ ઉંચકાયું છે. તેવામાં આ પ્રવૃત્તિને ડામવા માટે પૂર્વ કચ્છ
ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ધોંસ બોલાવતી કાર્યવાહી શરૂ રાખી છે. તાજેતરમાં ખાણ ખનિજ વિભાગે ત્રણ સ્થળે કાર્યવાહી કરી માતબર
રકમોનો મુદ્દામાલ પકડી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. અંજાર પંથકમાં ખનિજચોરીને
અંકુશમાં લાવવા માટે તંત્ર દ્વારા અંજાર તાલુકાના સાપેડા-રતનાલ માર્ગ ઉપર વોચ ગોઠવી
શંકાસ્પદ બોકસાઈટ ખનિજનો બિનઅધિકૃત જથ્થો ભરેલા ટેઈલરને પકડી પાડયો હતો. તપાસ દરમ્યાન
અંદાજીત 60 મેટ્રીક ટન જથ્થા સાથે કુલ 70 લાખનો મુદામાલ કબ્જે લેવાયો હતો. ખાણ અને
ખનિજ વિભાગની ટીમે વધુ ભચાઉ તાલુકાના આડેસરથી બ્લેકટેપ ખનિજ લઈને જતા ડમ્પરને પકડી
પાડયું હતું, જેમાં 20 ટન બ્લેકટેપનો જથ્થો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ વાહનમાં
રહેલા ખનિજના જથ્થા અંગે સંબંધિતો અધિકૃત પુરાવા
રજૂ ન કરી શકતા આ વાહન કબ્જે લઈ તંત્રે આગળની કાર્યવાહી આરંભી છે. આ ઉપરાંત ગઈરાત્રિ
દરમ્યાન ભચાઉથી સિલિકા એન્ડ સેન્ડનું બિનઅધિકૃત કરતા એક ડમ્પર પકડી
પાડયું હતું. તંત્રની આ કાર્યવાહીમાં ત્રણ સ્થળેથી કુલ 1.70 કરોડથી વધુ રકમનો મુદામાલ હસ્તગત લેવાયો હતો. આ કામગીરીમાં
માઈન્સ સુપરવાઈઝર દિલીપભાઈ નકુમના માર્ગદર્શન તળે રોયલ્ટી ઈન્સ્પેકટર ઈન્દુભાઈ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો. ખાણ અને ખનિજ વિભાગે વખતોવખત
દરોડા પાડી પૂર્વ કચ્છના વિવિધ સ્થળેથી જમીનમાંથી કિંમતી ખનિજોનું
ગેરકાયદેસર રીતે ખનન કરનારા તત્વો સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાયો છે.