• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

11 વર્ષ પૂર્વે જુગારનો દરોડો પાડવા ગયેલી એલસીબી પર જાન લેવા હુમલાના આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 12 :  11 વર્ષ પૂર્વે કનૈયાબેમાં જુગારનો દરોડો પાડવા ગયેલી એલસીબી પર 35 આરોપીએ જાન લેવા હુમલો કર્યો હતો. આ કેસના તમામ આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 12-3-13ના ભુજ તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કનૈયાબેના વરંડામાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી પીઆઇ શ્રી મલ્હોત્રાને મળતાં એસઓજી તથા એલસીબીએ દરોડા પાડતાં છ પકડાઇ ગયા હતા. આ પકડાયેલા આરોપીઓને પોલીસના કબજામાંથી છોડાવા ટોળાંએ પોલીસ ઉપર છૂટા પથ્થરોના ઘા કર્યા હતા તેમજ કુહાડીથી ફરિયાદીના માથાં પર ઘા કરતાં તે નીચે બેસી જતાં કારમાં વાગતાં કારનું પતરું કપાઇ ગયું હતું. ફરિયાદી તથા સાહેદોને લાકડી-ધોકાથી હુમલો કરી પકડાયેલા છ જુગારના આરોપી પોલીસના કબજામાંથી લઇ ગયા હતા. આ કેસના 35 આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધાયા બાદ તેઓની ધરપકડ કરી ચાર્જશીટ કરવામાં આવી હતી. 11 વર્ષ જૂનો આ કેસ અધિક સેશન્સની અદાલતમાં ચાલી જતાં 38 સાહેદોના મૌખિક પુરાવા તેમજ 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા બાદ બને પક્ષકારોની દલીલોના અંતે કોર્ટે 35 આરોપીને નિર્દોષ મુક્ત હુકમ કર્યો છે. આરોપી તરફે વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઇ. સમા, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર, આઇ.એ. કુંભાર હાજર રહ્યા હતા. - ભુજ નગરસેવક પર હુમલાના ત્રણ આરોપીને જામીન : ત્રણેક માસ પૂર્વે ભુજના નગરસેવક ધર્મેશ રાજગોરની ઓફિસ પર હુમલાના ચકચારી બનાવમાં ત્રણ આરોપી કુલદીપસિંહ બાલુભા જાડેજા, જુનસ આદમ મંધરા, કિરણસિંહ ભગુભા જાડેજાએ તપાસ પૂર્ણ થતાં ભુજની સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરતાં ત્રણેના જામીન માન્ય રહ્યા હતા. આરોપીઓ પક્ષે ધારાશાત્રી કે.પી. ગઢવી અને સાથે પ્રિયા આહીર, ભાવિકા ભાનુશાલી હાજર રહ્યા હતા. - પાંચ લાખના ચેક પરતમાં નિર્દોષ : ભુજના નીતિનભાઇ વસંતલાલ કેશવાણી સામે પાંચ લાખ રૂપિયાનો ચેક પરત ફરવાના મુદ્દે રક્ષાબેન પરેશભાઇ ગોરે કરેલી ફરિયાદનો કેસ ત્રીજા અધિક સેશન્સની કોર્ટમાં ચાલી જતાં જજે એમ.એસ. ગેલોતે આરોપી નીતિનભાઇને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ પ્રકાશચંદ્ર પી. જાની તથા હેમાબેન પી. જાની હાજર રહ્યા હતા. - દુષ્કર્મના આરોપીના જામીન ગ્રાહ્ય : ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તથા આરોપીના એક સાથેના પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને પ્રથમ વખત ભુજની હોટેલમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેમજ ફરીથી ફોટા વાયરલ કરવાની ધાકધમકી કરી નખત્રાણા ખાતે તા. 6-7-24થી તા. 21-7ના હોટેલમાં બોલાવી અવારનવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી ધવલ હીરાભાઇ ગરવાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે તેના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. આરોપી પક્ષે એડવાકેટ ભુરુભા આર. જાડેજા, રમણીક એસ. ગરવા, પી.બી. ઠાકોર, મનોજ પી. ગોસ્વામી, કલ્પેશસિંહ એસ. જાડેજા હાજર રહ્યા હતા. - નાગોર : હત્યાના પ્રયાસના આરોપીઓ નિર્દોષ : લોકડાઉનના સમયમાં 4-4-20ના બી-ડિવીઝન પોલીસ મથકે આરોપીઓ ફૈજલ ઉર્ફે રાજા અજીજ જત અને સુલતાન લંઘા વિરુદ્ધ ફરિયાદી ઉપર ધોકાથી જીવલેણ હુમલો કરી ફોરવ્હીલ રિવર્સમાં ફરિયાદી ઉપર ચડાવી દેવાના પ્રયાસ સંબંધે નોંધાયેલી ફરિયાદમાં સેશન્સ કોર્ટે 18 સાક્ષીઓ તથા 24 દસ્તાવેજી પુરાવા ચકાસી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ તરીકે ધારાશાત્રી એમ.એચ. રાઠોડ, હનીફભાઇ જત, ફરહાનખાન સિંધી, ધીરજભાઇ જાટિયા, આસિફભાઇ કુંભાર, હાસમશા શેખ, શેરાબેન રાઠોડ, ઉમર સમા અને અમતુલ્લાબેન કુરેશી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang