ગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાના ચિત્રોડ નજીક માતાજીનાં દર્શને
જઈ રહેલા હીરા કરશન રબારી (ઉ.વ. 22)નું બાઈક ડિવાઈડરમાં ભટકાતાં આ યુવાનનું મોત થયું
હતું. અંજારના તાલુકાના નવી દુધઈ ગામમાં રહેનાર હીરા રબારી નામનો યુવાન આજે બાઈક લઈને
હારીજ બાજુ લિંબોય માતાના દર્શન કરવા નીકળ્યો હતો. આ યુવાન એકલો બાઈકથી જઈ રહ્યો હતો.
દરમ્યાન બપોરના અરસામાં ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપથી થોડે દૂર તેનું બાઈક ડિવાઈડરમાં
ભટકાતાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું બનાવ સ્થળે જ મોત થયું
હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની
આગળની તપાસ હાથ ધરી હતી.