પોણો કલાકમાં બે ઇંચ વરસાદે ભુજને ધમરોળ્યું

પોણો કલાકમાં બે ઇંચ વરસાદે ભુજને ધમરોળ્યું
ભુજ, તા. 18 : દક્ષિણ રાજસ્થાન અને તેને સાંકળતા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કેન્દ્રિત થયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં છેલ્લા બે દિવસથી ભરઉનાળે ચોમાસુ માહોલ છવાયો હોય તેમ વિતેલા કેટલાક વર્ષોમાં ક્યારેય આટલા પ્રમાણમાં કમોસમી વરસાદ વરસ્યો નથી. શનિવારે તો જિલ્લા મથક ભુજને કમોસમી વરસાદે રીતસરનું ધમરોળ્યું હોય તેમ માત્ર પોણા કલાકના ગાળામાં ભુજમાં 47 મિ.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ આવતાં સર્વત્ર પાણી પાણી થઇ?ગયું હતું. માર્ચ માસમાં એકસાથે આટલો વિક્રમી વરસાદ પ્રથમવાર  ખાબક્યો હોવાનું હવામાન વિભાગમાંથી મળતા સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. ભુજ ઉપરાંત રાપર તાલુકામાં પણ માવઠાંએ  તોફાની અંદાજ દેખાડયો હતો. હજુ બે દિવસ જિલ્લામાં માવઠાંનો દોર જળવાયો રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. - ભુજમાં મુશળધાર બે ઇંચ : ભુજમાં ફાગણમાં આષાઢી માહોલ રચી માવઠાંએ બપોરના ચાર વાગ્યા બાદથી રીતસરની તડાપીટ બોલાવી હતી. બપોર સુધી ગરમી-બફારાનો દોર રહ્યા બાદ ચારેક વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે જોતજોતાંમાં  પવનની પાંખે કરા સાથે સાંબેલાધાર વરસાદ શરૂ થઇ ગયો હતો. પોણો કલાક સુધી જિલ્લા મથકે એકધારો વરસાદ પડતાં જોતજોતાંમાં બે ઇંચ પાણી ખાબક્યું હતું. ખુદ ટૂંકાગાળામાં બે ઇંચ પાણી પડતાં શહેરના જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ, વોકળો, જનરલ હોસ્પિટલ રોડ, ઘનશ્યામનગર માર્ગ, અનમ રિંગરોડ, એનસીસી ઓફિસ પાસેનો માર્ગ,  જૂના બસસ્ટેશન રોડ, મંગલમ ચાર રસ્તા, હોસ્પિટલ રોડ, ખારીનદી રોડ સહિત શહેરમાં ચોમાસામાં જ્યાં પરંપરાગત જળભરાવ?થાય છે એ તમામ રસ્તાઓ કમોસમી વરસાદથી રીતસરના તરબતર થઇ?ગયા હતા. બપોરે એકાએક મુશળધાર વરસાદ વરસતાં જૂના ઝડપાઇ ગયેલા લોકોમાં રીતસરની દોડધામ મચી ગઇ?હતી. લોકોને ઉનાળાના દિવસોમાં માથે ટોપીના બદલે રેઇનકોટ અને છત્રીને સહારો લેવો પડયો હતો. ભૂતકાળ તપાસીએ તો વિતેલા દાયકાની વાત દૂર રહી, માર્ચ માસમાં ક્યારેય આટલો વરસાદ ભુજમાં સત્તાવાર રીતે નોંધાયો જ નથી. માર્ચમાં ભુજમાં સરેરાશ એક મિ.મી. વરસાદ પડે છે તેની સામે બે દિવસના ગાળામાં શહેરમાં 54 મિ.મી. એટલે કે સવા બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતાં વાણિયાવાડ?બજારમાં જોશભેર પાણી વહ્યા તો શહેરનું પોલીસ હેડક્વાર્ટર પણ તળાવડીમાં ફેરવાયું હોય તેટલો જળભરાવ થતાં પરેશાની વેઠવી પડી હતી. શહેરની જિ. પંચાયત કચેરીમાં જળભરાવના લીધે કચેરીમાં કામ કરતા કર્મચારીઓને હાલાકી વેઠવી પડી હતી. ચુવાક પડતાં ફાઇલોને સાચવવા માટે કર્મચારીઓને ભારે દોડધામ કરવી પડી હતી. ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ વારંવાર સર્જાતી હોવાનો ગણગણાટ કર્મચારીઓએ દેખાડયો હતો.શહેરના પરા સમાન માધાપરમાં પણ ચોમાસાની યાદ અપાવે તેવો ધોધમાર વરસાદ પડતાં ગામની ગલીઓ જળમગ્ન બની હતી. થરાવડા ઉપરાંત કેરા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે.- રાપર તાલુકામાં તોફાની વરસાદ: બપોર બાદ રાપર તાલુકામાં હવામાનમાં પણ પલટો આવ્યો હતો. રણકાંઠાના ગાગોદર, કાનમેર, ધાણીથર, ચિત્રોડ, કીડિયાનગર સહિતના ગામોમાં બપોરે અઢી વાગ્યા બાદ જોરદાર વરસાદ ગાજવીજ અને કરા સાથે તૂટી પડયો હતો. જોતજોતાંમાં સામખિયાળી-પાલનપુર હાઇવે પાણી પાણી થઇ?ગયો હતો. અંદાજે પોણાથી એક ઇંચ જેટલો અડધા કલાકમાં વરસાદ નોંધાયો હતો. ચિત્રોડમાં પણ ગાજવીજ સાથે માવઠારૂપી વરસાદ થયાનું વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું. ખીરઇ, બાદરગઢ, નીલપર સહિતના તાલુકા મથકની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ થયો હોવાનું મેહુલભાઇ રૈયાએ જણાવ્યું હતું. વરસાદના લીધે ઘઉં, રાયડો, દાડમ, કેરી, ખારેક, ચીકુ, જીરું, રાયડો, ઇસબગુલ, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું છે. ગાજવીજ સાથે પવનની ડમરી સાથે વરસાદ તૂટી પડતાં વાગડ વિસ્તારમાં ચોમાસાની સિઝન હોય તેવો માહોલ સર્જાયો હતો. દરમ્યાન, રાપર શહેરમાં પવન સાથે તોફાની ઝાપટાં વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તોફાની વરસાદ વરસતાંની સાથે જ શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ?ગઇ હતી. - ગાંધીધામ શહેર તાલુકામાં પવન સાથે ઝાપટાં : સંકુલમાં આજે સવારથી જ સૂર્યદેવતાએ સંતાકૂકડીની રમત રમી હતી. બપોરના અસહ્ય તાપથી નાગરિકો અકળાઈ ગયા હતા. આ દરમ્યાન સાંજના અરસામાં એકાએક ધાબડિયો માહોલ સર્જાયો હતો અને ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. ગાંધીધામ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આદિપુર તેમજ મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી સહિતના વિસ્તારોમાં કમોસમી ઝાપટા વરસ્યા હતા. વરસાદી હેલીના કારણે સંકુલના માર્ગો ભીંજાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં પાણીના નાના-નાના ખાબોચિયા ભરાઈ ગયાં હતા. પવનની ગતિના કારણે પડાણામાં લાકડાના બેન્સાના પતરાં ઊડી ગયા હતા અને નુકસાની થઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. અંજાર વિસ્તારમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણના કારણે વરસાદની ભીતિ સર્જાઇ હતી. સતત બીજા દિવસે અંજાર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોરે બે વાગ્યા બાદ અંજાર તા.ના સતાપર, લાખાપર, મીઠા પસવારિયા, ખારા પસવારિયા, અજાપર, ભીમાસર, સાપેડા, આંબાપર, ખોખરા, ઝરૂ સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે બેથી ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી પડયો હતો. બિનમોસમી ભારે વરસાદના કારણે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંજાર તા.ના સતાપરના અગ્રણી ગોપાલભાઇ?માતાએ જણાવ્યું કે, બિનમોસમી ભારે વરસાદના કારણે ખેડૂતોએ વાઢેલો માલ મોટા પ્રમાણમાં પલળી જતાં અકલ્પનીય નુકસાન થવાનો અંદાજ છે. સતાપરના ખેડૂત ડેકાભાઇ માતાએ જણાવ્યું કે, ખેતરોમાં અનેક ખેતપેદાશો તૈયાર હોવાના સમય જ કમોસમી ધોધમાર વરસાદ પડતાં તમામ ખેતપેદાશો નષ્ટ થઇ જતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ સર્જાઇ?છે. આંબાપરના અગ્રણી અરજણભાઇ ખાટરિયાએ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલી ભારે નુકસાની માટે સર્વેની માગણી કરી છે. - બિટ્ટા/ઉસ્તિયામાં કરા પડયા : અબડાસાના અમુક ગામોમાં માવઠું પડયું હતું. બિટ્ટા ગામે બરફના નાના કરા સાથે વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યું હતું.તાલુકાના ઉસ્તિયા અને આસપાસના ગામોમાં પણ કમોસમી માવઠું થયું હતું. રવીપાક ઘઉંનો ફાલ ઊતરે છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. - બન્નીમાં દોઢ ઇંચ: સાંજે 5.45 કલાકે જોરદાર ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. સતત બે દિવસથી કાળઝાળ ગરમી અને સુસવાટા મારતા પવન સાથે 1ાા ઇંચ  જેટલો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. - ચાઉના ગ્રામ્ય વિસ્તારમાં કરા પડયા: તાલુકા મથક અને ગ્રામ્યસ્તરે વાદળછાયા વાતાવરણ  વચ્ચે કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડયો હતો. ચિરઇ ખાતે બપોરે કરા પડયા હતા. લલિયાણામાં એકાદ ઇંચ વરસાદનું અગ્રણી ગાગલ બીજલ હમીરાએ કહ્યું હતું. દરિયાકાંઠાના વાંઢિયા ગામે પણ વરસાદથી રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust