એમ.બી.બી.એસ. થયા પછી અનેક દિશા ખૂલે

ભુજ, તા. 18 : અદાણી મેડિકલ કોલેજની વર્ષ 2017 બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં 149 વિદ્યાર્થી માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરકના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટ્સને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા 9માં દિક્ષાંત સમારંભનું દીપ પ્રાગટય કરી, મુખ્ય મહેમાન પદેથી બોલતા કચ્છ યુનવર્સિટીના કુલપતિ પ્રા. જયરાજાસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને ડોકટર બનીને બહાર આવવા બદલ અભિનંદન સાથે કર્તવ્યપાલનની શીખ આપતાં જણાવ્યું કે, જીવનમાં ઉમદા ડોકટર જરૂર બનજો, પણ સારા માનવ પણ બનજો, સાથે સાથે તમારા સ્તરને એટલી ઊંચાઈએ લઈ જજો અને સફેદકોટની એવી શાન વાધરજો કે, માતા-પિતા, વતન, સમાજ, તમારી સંસ્થા તમારા ઉપર ગૌરવ કરે. આ કાર્યક્રમમાં યુનિ.ના રજિસ્ટ્રાર ડો. જી.એમ બુટાણી ઉપસ્થિત રહ્યા હતા. અદાણી હેલ્થ કેરના વડા ડો. પંકજ દોશીએ સ્નાતકોને લીધેલા શપથનો અમલ કરવાનું જણાવી કહ્યું કે, એમ.બી.બી.એસ. થયા પછી કારકિર્દીની અનેક દિશા ખૂલી જાય છે. ક્લિનિકલ ઉપરાંત આજે મેડિકલ ટીચર્સ, પ્રોફેસર, મેડિકલ વહીવટકર્તાની જરૂર છે. મેડિકલ એકેડેમિક સંસ્થા તમને આવકારવા ઉત્સુક છે.મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ નવા સ્નાતકોને મહર્ષિ ચરકના શપથ લેવડાવ્યા હતા. પ્રારંભમાં અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષે આવકાર પ્રવચન કરતાં કહ્યું કે, મેડિકલ પણ એક કલા છે જેના આધારે તમે સમાજ માટે એક રોલ મોડેલ બની શકો છો. સતત શીખતાં રહેજો, નોબેલ પ્રોફેશન અને સુંદર ભવિષ્ય તમારી રાહ જુએ છે. આ પ્રસંગે એડી. મેડિ. સુપ્રી. ડો. વિવેક પટેલ, જી.કે.ના જુદા જુદા વિભાગના વડા, કોલેજના પ્રાધ્યાપક સાથે ડોકટર બનીને સમાજમાં પગ મૂકતા તબીબો અને તેમના માતા-પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉતીર્ણ વિદ્યાર્થીઓ પૈકી ગોલ્ડ અને સિલ્વર ચંદ્રક વિજેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સ્નાતકોને સ્મૃતિચિહ્ન અને ડાયરી પુસ્તક આપી અભિવાદન કરાયું હતું. ડો. વનરાજ પીઠડિયા અને ડો. વૈદર્ભી બારડે કોલેજના 5 વર્ષના સંસ્મરણો કહ્યા હતા. આભારદર્શન એનાટોમી વિભાગના પ્રો. નિવેદિતા રોયે કર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com