બે મહિનાથી લાપતા કચ્છના વહાણમાં રહેલા બે યુવાનની કોઈ ભાળ ન મળી

માંડવી, તા. 18 : બે મહિના પહેલાં યમનથી માલ ભરીને ઓમાન જવા ઉપડેલા કચ્છના વહાણનો સંપર્ક કપાઈ ગયો હતો અને આજ સુધી તેનો કોઈ અતોપતો ન મળતાં મોટા સલાયાના બે સગા ભાઈઓ પણ લાપતા હોવાથી તે કડવી હકીકતને સ્વીકારી લઈને પરિવારે ગડમથલને અંતે ધાર્મિકવિધિ સંપન્ન કરાવી હતી, જેને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી હતી. સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ તથા ઉદ્યોગપતિ હાજી આમદભાઈ જુણેજાએ આપેલી વિગતો પ્રમાણે આ હતભાગી વહાણમાં કુલ્લે આઠ સાગર ખેડૂઓ હતા. મળતી માહિતી મુજબ અહીંની બંદર કચેરીએ નોંધાયેલું અને હાલે ભુજના શરીફભાઈ મોગલની માલિકીવાળું એમ.એસ.વી. બિસ્મીલ્લાહ, રજિ. નં. એચ. એન. વી. 629વાળું આ વહાણ સફરે નીકળ્યા પછી ગઈ તા. 13 જાન્યુઆરીએ તેનો સંપર્ક કપાઈ ગયો હતો. બે મહિના વીત્યા બાદ પણ કોઈ સઘડ નહીં મળતા આ શહેરના જ પાંચ મળીને કુલ્લે આઠ ખલાસીના પરિવારો ઉપર આભ તૂટી પડયું હતું. અત્યાધુનિક સંદેશા ઉપકરણો, ઉપગ્રહ, સોશિયલ મીડિયાની સક્રિયતા છતાં આ વહાણનું કોઈ જ પગેરું ન મળ્યું જે આશ્ચર્યજનક છે. મોટા સલાયાના સુલેમાન ઈશા જુસબાણીએ લાંબી ગડમથલ બાદ પરિવાર સાથે ચર્ચા કરીને પોતાના બંને પુત્રો સિકંદર સુલેમાન જુસબાણી (ઉ.વ. 39) તથા ઈલિયાસ સુલેમાન જુસબાણી (ઉ.વ. 35)ને લાપતા સ્વીકારી તેમની ધાર્મિકવિધિ વાયેઝ તથા જિયારત સંપન્ન કરાવી હતી. આ વિધિમાં અનેક લોકો ઊમટયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું. વહાણની રગેરગની જાણકારી મોકલતું સાધન ઓટોમેટિક આઈન્ડેન્ટીફ્રિકેશન સિસ્ટમ (એ.આઈ.એસ.) તદ્દન મૂંગું મંતર રહેતાં આ નોબત આવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com