કલેક્ટરની ખાતરી મળતાં ભુજ તા. અનુ.જાતિ ખેતી મંડળીનાં પારણા

ભુજ, તા. 18 : ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા ધરણા બાદ આજથી ભૂખ હડતાળ શરૂ કરાઇ હતી. જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજી પ્રત્યક્ષ કબજા સોંપવાની ખાતરી અપાતાં મંડળી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ભૂખ હડતાળ પર ઉતરેલા ચાર સભ્યે પારણા કર્યા હતા. મંડળીના પ્રમુખ વિજયકુમાર કાગીની યાદીમાં જણાવાયું હતું કે, જિલ્લા કલેકટરે બપોરે બોલાવી ચર્ચા કરી હતી, ત્યાર બાદ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે કોલ પર ચર્ચા પછી અધિકારીઓ સાથે બેઠક બાદ સંગઠન અને મંડળીના મોવડીઓને વહેલી તકે કબજા અપાશે તેવી ખાતરી અપાતાં તેમણે મંડળીના સભાસદોને જાણ કરી હતી. નાયબ મામલતદાર સર્કલ અને મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીને સાથે ઉપવાસીઓને પારણા કરાવાયા હતા. આ વેળાએ મંચના મહામંત્રી ઇકબાલ જત, નરેશ ફુલૈયા, જાકબ જત, દેવ મારવાડા, પ્રકાશ મારવાડા, ભરત મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. નરેશ મહેશ્વરીએ મંડળીને અઠવાડિયામાં પ્રત્યક્ષ કબજો સોંપવામાં નહીં આવે તો તા. 27-3ના કલેકટર કચેરી સામે ફરી ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com