કચ્છમાં કૂવાને પુનર્જીવિત કરવા નવતર ઝુંબેશ

ભુજ, તા. 18 : જળના જતનની સાચી કિંમત જાણતા કચ્છ અને ખાસ તો કચ્છના ખેડૂતો માટે પાણીના બચાવની કોઇપણ પહેલ આશીર્વાદરૂપ બની જતી હોય છે. અત્યાર સુધી ચેકડેમો અને તળાવો પર કેન્દ્રિત રહેલી જળ સંરક્ષણની ઝુંબેશોનો વ્યાપ હવે છેક ખેતરના કૂવા રિચાર્જ કરવા સુધી પહોંચાડવા અનોખું આયોજન હાથ ધરાયું છે.  ખેતરના કૂવાને વરસાદી પાણીથી રિચાર્જ કરવાની નવતર પદ્ધતિ સફળ થતાં હવે આ ઉપાય ખેડૂતો તેમના ખેતરમાં અમલી કરી શકે તે માટે કચ્છમિત્ર, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને ગ્લોબલ કચ્છ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખાસ આર્થિક પેકેજ તૈયાર કરાયું છે. આખી યોજનાના અમલીકરણ માટે ગામેગામના સરપંચોને સામેલ કરાશે.આ નવતર યોજનાના પ્રથમ તબક્કામાં એક હજાર કૂવાને રિચાર્જ કરવાનું લક્ષ્ય રખાયું છે. ખેડૂતોને તેમના એક કૂવા માટે રૂપિયા ત્રણ હજારની આર્થિક સહાયતા આ ત્રણે સંસ્થાઓ દ્વારા અપાશે. કચ્છમિત્ર અને નર્મી સંસ્થા દ્વારા આગામી મહિને યોજનારા મેગા કૃષિ મેળા પ્રસંગે આ એક હજાર કૂવા માટેની આર્થિક સહાયતા અર્પણ કરવાનું આયોજન ઘડાઇ રહ્યંy છે.ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જળસંચયના કામો માટે સતત સક્રિય રસ લઇ રહ્યા છે. તેમણે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા તૈયાર કરાયેલી કૂવા રિચાર્જની નવતર પદ્ધતિને બિરદાવીને તેના પ્રસાર માટે આગ્રહ કરવો શરૂ કર્યો છે.  આ સંદર્ભમાં તાજેતરમાં અબડાસા તાલુકાના કનકપર ગામે જળસંચયના કામોને ખાસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ખેતરના કૂવાને રિચાર્જ કરવા માટેના આયોજનમાં ગામેગામના સરપંચોને ઇજન અપાઇ રહ્યંy છે.  સરપંચો તેમના ગામના લાભાર્થીઓની યાદી સાત-બારના ઉતારા સાથે કચ્છમિત્ર કાર્યાલય ભુજ ખાતે અથવા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, સાંસદનું કાર્યાલય, જિલ્લા કલેકટર કચેરીનું પ્રાંગણ ભુજને આગામી 31મી માર્ચ સુધીમાં મોકલી આપવા આ યાદી દ્વારા અનુરોધ કરાયો છે.  કૂવા રિચાર્જની નવતર અને સરળ પદ્ધતિ અંગે આગામી દિવસોમાં અખબારી માધ્યમથી પ્રકાશિત કરાશે. અહીં એ નોંધનીય છે કે, કચ્છમિત્ર દ્વારા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે થ્રી સિક્સટી ડિગ્રી કચ્છ કોન્કલેવ યોજવામાં આવ્યો હતો. એ પછી દરેક ક્ષેત્રે ગતિશીલ પગલાં લેવાઇ રહ્યાં છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust