ડ્રોન કૌશલ્યની પહેલ ભુજથી

ભુજ, તા. 18 : વડાપ્રધાનના યુવાનોમાં કૌશલ્યવર્ધનના પ્રયાસોને ગુજરાતે સૌથી પહેલાં ઝીલી લીધું છે અને `કૌશલ્ય - ધ સ્કિલ યુનિવર્સિટી'ની સ્થાપના કરી હતી, જે અંતર્ગત વિકસતી ડ્રોન ટેક્નોલોજીના શરૂ?કરવામાં આવેલા અભ્યાસક્રમમાં કચ્છે પહેલ કરી છે. `ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલિંગ' (ડીએમએ) કોર્સની ભુજ આઇટીઆઇએ સૌથી પ્રથમ શરૂઆત કરી દીધી છે અને `ડ્રોન પાઈલટ'?નામના કોર્સનો પણ રતનાલ આઇટીઆઇ ખાતે ટૂંકમાં આરંભ થશે. ભારત અને ગુજરાત સરકાર ડ્રોન ટેક્નોલોજી દ્વારા તેનો ખેતી, ફોટોગ્રાફી, કુરિયર જેવાં ક્ષેત્રોમાં ઉપયોગ વધારીને રોજગારીની તકો વધારવા માગે છે. ઉપરાંત, ઓછા સમયમાં આ ટેક્નોલોજીથી વધુ કામ મેળવી શકાય છે ત્યારે આ કોર્સને ખાસ ગ્રાન્ટ?દ્વારા વિનામૂલ્યે શરૂ કરવામાં આવ્યો છે. સ્કિલ યુનિવર્સિટી હેઠળ કચ્છમાં શરૂ કરવામાં આવેલા ડીએમએ કોર્સની તમામ 25 બેઠક ભરાઇ ચૂકી છે અને ત્રણ મહિનાનો આ પ્રમાણપત્ર કક્ષાનો કોર્ષ પૂર્ણ થયા બાદ ડ્રોન સર્વિસિંગ - રિપેરિંગના 25 લાયસન્સધારકો પણ બહાર પડશે. ફોરમેન અને આચાર્યનો ચાર્જ સંભાળતા તુષાર જોષી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વ્યાખ્યાતા પુનિત પાટીદારે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું કે હરિયાણામાં દેશનું મુખ્ય તાલીમ કેન્દ્ર છે, તેમાં રાજ્યના વિવિધ 50 વ્યાખ્યાતા તાલીમ લઇ?આવ્યા છે, જે આઇટીઆઇઓમાં કોર્ષની તાલીમ આપશે. સ્કિલ યુનિવર્સિટી હેઠળના આ કોર્ષનો રાજ્યમાં પ્રથમ 2જી ફેબ્રુઆરીના કચ્છથી આરંભ થયો છે, જે 1લી મેના પૂર્ણ થશે. જ્યારે 2જી મેથી નવો બેચ શરૂ થશે. આમ તો રૂા. 15,000ની ફી છે, પરંતુ પ્રારંભિક પ્રોત્સાહન માટે બીજા બેચ માટે ગ્રાન્ટ મંજૂર હોવાથી પ્રથમ અને બીજા બેચ બંનેના મળીને 50 તાલીમાર્થીને વિનામૂલ્યે તાલીમ મળશે. પ્રથમ તબક્કામાં ડીએમએ કોર્ષનો આરંભ થયા બાદ બીજા તબક્કામાં રતનાલ આઇટીઆઇ ખાતે પણ અલગ પ્રકારનો ડ્રોનને ચલાવતાં શીખવતો ડ્રોન પાઈલટનો કોર્ષ પણ આરંભ કરાશે.પાઈલટનો અભ્યાસક્રમ માત્ર 10 દિવસનો છે અને તેમાં સાડાચાર કલાક ડ્રોન ઊડાવવું ફરજિયાત છે. ભુજથી શરૂઆત થઇ. જો કે, ગુજરાતમાં અત્યારે 14 સ્થાને કોર્ષનો આરંભ થઇ ચૂક્યો છે. પ્રથમ કોર્ષમાં ડ્રોનનું સર્વિસિંગ, રિપેરિંગ, એસેમ્બલિંગ અને ડિસમેન્ટલિંગ શીખવવામાં આવશે. અત્યારે નોંધાયેલા 25 વિદ્યાર્થીમાં ફોટોગ્રાફરોની સંખ્યા વધુ છે, પરંતુ આ કોર્ષ અનેક ક્ષેત્રમાં ઉપયોગી છે. ખાસ કરીને ખેડૂતોને દવા છંટકાવમાં નુકસાનથી બચવા આ ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. આગામી દાયકામાં મોબાઇલ ટેક્નોલોજીની જેમ જ ડ્રોન ટેક્નોલોજી વિકસે તેવી સંભાવના જોવાઇ રહી છે. તેનાં મોબાઇલ જેમ સર્વિસ સેન્ટર ઊભાં થઈ શકે છે. આ કોર્ષ કરવાથી જ્ઞાનની સાથે લાયસન્સ પણ મળશે. ડ્રોન એ નિયંત્રિત સાધન છે. કચ્છ સરહદી વિસ્તાર પણ છે. માત્ર 250 ગ્રામથી હલકાં ડ્રોન જ કોઇ?લાયસન્સ વિના ઊડાવી શકાય. જી.પી.એસ. ઇન્ટરનેટ આધારિત આ ડ્રોનમાં ખાસ કરીને એરપોર્ટ વિસ્તારને લગતાં નિયંત્રણો છે. વ્યાવસાયિક રીતે ડ્રોન ઊડાવવું હોય તો આ બધા નિયમોની  જાણકારી આવશ્યક છે, પણ સરકારે નિયંત્રિત ઉપયોગ સાથે  નવી પેઢી માટે આ ટેક્નિકનો વ્યાપ વધારવા પહેલ કરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust