સુવર્ણકારોએ હોલમાર્કના જૂના દાગીના પર એચયુઆઇડી નંબર લગાવવા પડશે
ભુજ, તા. 18 : જુલાઈ 2021થી દેશમાં સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત બન્યા બાદ હવે પહેલી એપ્રિલથી હોલમાર્કવાળા જૂના દાગીના (ચાર અંકના) પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (એચયુઆઈડી) ફરજિયાત બની રહ્યો છે જેને પગલે જેમણે હોલમાર્કવાળો જૂનો સ્ટોક ખાલી કર્યો નથી તેવા તમામ સુવર્ણકારોએ એવા ઘરેણા પર એચયુઆઈડી નંબર લગાવવા પડશે.એપ્રિલ મહિનાથી સોનાના કોઈ પણ દાગીના છ આંકડાના એચયુઆઈડી નંબર વિના વેચી શકાશે નહીં. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, 2021માં હોલમાર્કિંગ ફરજિયાત કરાયું એ પહેલાં સોના-ચાંદીના વેપારીઓ જ ઘરેણામાં સ્વેચ્છાએ હોલમાર્કિંગ કરાવતા હતા તેમના દાગીનામાં ચાર ડિજિટનો હોલમાર્ક નંબર લગાવવામાં આવતો. 2021માં હોલમાર્કિંગ ફરજિયાત બન્યા બાદ છ અંકનો હોલમાર્કનો નંબર અમલી બન્યો છે. હવે પહેલી તારીખથી જેમની પાસે ચાર અંકના હોલમાર્કિંગવાળા જૂના દાગીના હશે તેમાં નવા નંબર માટે એચયુઆઈડીની પ્રક્રિયા કરવી પડશે. એક દાગીના દીઠ તેની રૂા. 4પની ફીનો ખર્ચ ભોગવવો પડશે.એપ્રિલ મહિનાથી છ આંકડાના એચયુઆઈડી નંબર વિના દાગીના વેચી શકાશે નહીં માટે હવે ઝવેરીઓ પાસે જૂના દાગીનામાં એચયુઆઈડી કરાવવાનો થોડો સમય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં સોના-ચાંદીના લગભગ 1300 જેટલા વેપારી છે, પણ આખા કચ્છમાં ભુજમાં બે, અંજાર અને ગાંધીધામમાં એક-એક એમ માત્ર ચાર જ હોલમાર્કિંગ સેન્ટર છે અને પશ્ચિમ કચ્છના વેપારીઓએ હોલમાર્કિંગ માટે ભુજ સુધી આવવું પડે છે.અત્યાર સુધી શુદ્ધતાનો લોગો, હોલમાર્ક કેન્દ્રનો માર્ક વગેરે લાગતા, હવે એચયુઆઇડીનો નંબર લાગશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com