વિલિયમ્સન અને હેનરીની બેવડી સદી : શ્રીલંકા ઉપર દબાણ

વેલિંગ્ટન, તા. 18: ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વેલિંગ્ટનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં કેન વિલિયમ્સન અને હેનરી નિકોલ્સની બેવડી સદી બાદ મેહમાન ટીમ દબાણમાં આવી ગઈ છે. મેચમાં કેન વિલિયમ્સને 215 રન કર્યા છે અને હેનરી નિકોલ્સ 200 રને અણનમ રહ્યો હતો. બન્ને વચ્ચે 363 રનની ભાગીદારી થઈ હતી. જેની મદદથી ન્યુઝિલેન્ડની ટીમે 580 રને પહેલી ઇનિંગ ડિક્લેર કરી હતી.ન્યુઝિલેન્ડની ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને લાથમ તેમજ કોનવેએ મક્કમ શરૂઆત અપાવી હતી. જેમાં 87 રનના કુલ સ્કોરે લાથમની વિકેટ પડી હતી. ત્યારબાદ કોનવે 78 રને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં કેન વિલિયમ્સન અને હેનરી નિકોલ્સે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 363 રનની ભાગીદારી થઈ હતી. જેમાં કેન વિલિયમ્સન અને હેનરી નિકોલ્સે બેવડી સદી ફટકારીને શ્રીલંકન બોલરોને દબાણમાં લાવી દીધા હતા. કેન વિલિયમ્સને કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી કરી હતી. આ સાથે એક જ દાવમાં બે ખેલાડીની બેવડી સદીની ખાસ યાદીમાં ન્યુઝિલેન્ડ સામેલ થયું હતું. મેચમાં હેનરી નિકોલ્સના પણ 200 રન પૂરા થયા બાદ પહેલી ઇનિંગ્સને ઘોષિત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેરિલ મિશેલ અને ટોમ બ્લંડેલે 17-17 રન કર્યા હતા. ન્યુઝિલેન્ડના પહેલા દાવમાં દમદાર સ્કોર બાદ શ્રીલંકાની ટીમ દબાણ સાથે મેદાનમાં ઉતરી હતી અને માત્ર 18 રનના કુલ સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓશાડા ફર્નાન્ડો છ રનના અંગત સ્કોરે અને કુસલ મેન્ડીસ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યા હતા. બીજા દિવસના અંત સુધીમાં શ્રીલંકાએ 26 રન બનાવી લીધા હતા . જેમાં ડીમુથ કરુણારત્ને 16 રને અને પ્રભાત જયસૂર્યા 4 રને દાવમાં રહ્યા હતા.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust