નર્મદાનાં વધારાનાં પાણીની ફાળવણી મુદ્દે તંત્રની નકારાત્મકતાનો આક્રોશ

લાકડિયા (તા. ભચાઉ), તા. 18 : કચ્છના બે ધારાસભ્યએ રાજ્ય સરકારને પૂછેલા તારાંકિત પ્રશ્નોના જવાબને આધારે માજી નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહે નર્મદાનાં વધારાનાં પાણી કચ્છને ફાળવવામાં કચ્છ પ્રત્યે નકારાત્મકતા જણાતી હોવાનું કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સાથે તેમણે આ પ્રશ્ને પક્ષીય રાજકારણ બાજુએ રાખવા અનુરોધ કર્યો છે. એક અખબારી યાદીમાં માજી નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, વિધાનસભા ક્ષેત્રો તેમજ સંસદીય ક્ષેત્રમાં 95 ટકાથી વધારે સમર્થન મેળવનાર ભાજપની રાજ્ય સરકાર સૌથી વધુ પાણીની જરૂરિયાતવાળા કચ્છની અવગણના કરતી હોવા છતાં ભાજપ તેનો જય જયકાર કરે છે. આ સ્થિતિ `ઇનીજી લઠ અને અસાંજી પુઠ મારી મારીને થકા' જેવી છે, જેમાં ગુલામીનું માનસ છતું થાય છે. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અનિરુદ્ધભાઇ દવેના તારાંકિત પ્રશ્નોના જવાબમાં જળસંપત્તિ મંત્રીએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામાં તા. 31/12/2022ની સ્થિતિએ નર્મદાનાં પૂરનાં પાણીના ઉપયોગ માટેનું કામ હાથ ધરવાનું આયોજન છે. આ કામો અન્વયે કુલે અંદાજિત રૂા. 3448 કરોડના બે કામ પ્રગતિમાં છે. અંદાજિત કિંમત?રૂા. 720 કરોડનું એક કામ ટેન્ડર તબક્કે છે. આ કામો પાછળ તા. 31/12/2022ની સ્થિતિએ રૂા. 190.69 લાખનો ખર્ચ થયો છે. મતલબ કે ડિસેમ્બર-2022 સુધી કચ્છને વધારાના નર્મદાનાં પાણી પછવાડે માત્ર?રૂા. એક કરોડ નેવું લાખનો જ ખર્ચ થયો છે. ભૂતકાળમાં કચ્છની પાણીની ઓછી ફાળવણીની પૂર્તતા માટે ત્રણ મિલિયન એકર ફિટમાંથી એક-એક મિલિયન એકર ફિટ ફાળવણી થઇ. એ પૈકી ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજનાને 2300 કરોડ, સૌની યોજના માટે 18 હજાર કરોડથી વધુનો ખર્ચ અને હજુય થનારા ખર્ચને જોતાં તે કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરોની કાર્યશૈલી કચ્છ પ્રત્યે નકારાત્મક અને કચ્છને નર્મદાનાં નીરથી વંચિત રાખવાની સાજિશ હોય તેવું જણાય છે. આવી વિસંગતતા બાબતે આક્રોશ?વ્યક્ત થવો જોઇએ એવું તેમણે ઉમેર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust