અંતે ભુજના ઉમેદનગર માર્ગે સેલ્ફી પોઇન્ટનું કામ રદ
ભુજ, તા. 18 : શહેરના ઉમેદનગર માર્ગે હમીરસર બ્યુટિફિકેશન અંતર્ગત બનાવાતા સેલ્ફી પોઇન્ટના કામને અંતે રદ કરાયું હતું અને અન્ય કોઇ સ્થળે બનાવવા વિચારણા હાથ ધરાઇ હતી.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના ઉમેદનગર માર્ગે હમીરસર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત સેલ્ફી પોઇન્ટ બનાવવાનું કામ શરૂ કરાતાં શહેરની જળ સ્વાવલંબન સંસ્થા દ્વારા એ કામ હમીરસર તળાવની આવમાં કરાતું હોવાનું જણાવી તેનાથી આવના પાણીને અવરોધ ઊભો થશે તે કારણોસર સેલ્ફી પોઇન્ટનું કામ અટકાવ્યું હતું. ત્યારબાદ સુધરાઇના સત્તાધીશો અને સંસ્થા વચ્ચે ચારથી પાંચ મિટિંગ યોજાઇ, પણ અંતે એ કામને રદ કરવા નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પેન્શનર્સ ઓટલા નજીક પણ તળાવની પાળ વિકસાવવાના કામ મુદ્દે હાઇકોર્ટના દ્વાર ખટખટાવાતાં એ કામ પણ રદ કરવાની ફરજ પડી હતી. હાલમાં ઉમેદનગર પાસેની આવને જૈસે થેની સ્થિતિમાં લાવવા કામગીરી ચાલી રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com