સોનું વિક્રમી સપાટીએ; 61 હજારને પાર
ભુજ, તા. 18 : અમેરિકાની સિલીકોન વેલી બેન્ક તૂટતાં તેની અસર યુ.એસ.ની અન્ય બેન્કો પર પડતાં આર્થિક સંકટ ઊભું થવાથી મૂડીઝે બેન્કિંગ સિસ્ટમનું રેટિંગ ઘટાડતાં સોનામાં હેજફંડોની ખરીદી નીકળતાં કિંમતી ધાતુ દોઢ માસના ગાળામાં ફરી 61 હજાર પાર કરી ઉચ્ચસ્તરે પહોંચી ગઇ છે. અમેરિકાની સિલીકોન વેલી, સિગ્નેચર બેન્ક, ફર્સ્ટ રિપબ્લિક બેન્ક બાદ સ્વિત્ઝર્લેન્ડની 166 વર્ષ જૂની સ્વિસ બેન્ક ડૂબવાને આરે પહોંચ્યા બાદ આર્થિક સંકટ ઊભું થવાની ધારણાએ રેટિંગ એજન્સી મૂડીઝે યુ.એસ.ની બેન્કિંગ સિસ્ટમનું રેટિંગ ઘટાડતાં દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા હતા. જેથી ફરી 2008 જેવું વૈશ્વિક આર્થિક સંકટ સર્જાય તેવા ભયે સલામત રોકાણ ગણાતા સોનામાં હેજફંડોએ જોરદાર ખરીદી કરતાં સોનું 61,600ના ઉચ્ચસ્તરે પહોંચ્યું છે, તો બીજી તરફ વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ પણ ચાંદી કરતાં સોનામાં રોકાણ વધારતાં આ કિંમતી ધાતુને વધવામાં વધુ બળ મળ્યું છે. ભારતમાં રૂપિયો નબળો પડતાં તથા આયાત ડયૂટી ઊંચી હોવાના કારણે ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો હોવાનું ભુજની બુલિયન બજારના વેપારી પ્રણવ બુદ્ધભટ્ટીએ જણાવ્યું હતું. યુ.એસ. શેરબજારનું સંકટ, વૈશ્વિક મંદી આવવાનો ભય તેમજ ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજદર વધારાની ગતિ ધીમી પડે અથવા સ્થગિત કરે તેવી સંભાવનાએ પણ સોના-ચાંદીમાં ઉછાળો થયો હોવાનું જાણકારો કહી રહ્યા છે. આ ભાવવધારાથી ભુજની સ્થાનિક બજારમાં 10 ગ્રામ શુદ્ધ સોનાના ભાવ 61,600ના તથા ચાંદીના એક કિલોના ભાવ 70,400 થયા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com