મહાઠગ કિરણ પટેલ 15 દિ'' જેલમાં
અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : પોતાને વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ)નો ટોચના અધિકારી તરીકે ગણાવનાર મૂળ કિરણ પટેલની કસ્ટડી શુક્રવારે (ગઇકાલે) સમાપ્ત થતી હોવાથી તેને 15 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે. તેની ધરપકડ 3 માર્ચના કરવામાં આવી હતી. તેની સાથે ગુજરાતના બે યુવાન પણ હોવાનું ચર્ચાય છે. કાશ્મીરમાં સરકારી સુરક્ષા કવચ સાથે વૈભવી સગવડો ભોગવતા મહાઠગના પુછાણા માટે કાશ્મીર પોલીસે પણ અમદાવાદમાં ધામા નાખતાં આવનારા દિવસોમાં અનેકને રેલો આવે તેવા નિર્દેશ મળે છે. મૂળ અમદાવાદના ઘોડાસર વિસ્તારનો કિરણ પટેલના ઓળખપત્રો અંગે શંકા જતા શ્રીનગરની લલિત ગ્રાન્ડ હોટેલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેને નિશાત પોલીસ સ્ટેશને લઇ જવાયો હતો અને ત્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેણે અલગ અલગ માણસો સાથે રૂા. 3.25 કરોડની છેતરાપિંડી કરી છે. પોલીસ સૂત્રોના અનુસાર તે કાશ્મીરમાં 2015થી અત્યાર સુધીમાં શું પ્રગતિ થઇ તેની સમીક્ષા કરવા ગયો હતો. ગુજરાત પોલીસને તેણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ઉત્તરપ્રદેશની પણ મુલાકાત લીધી હોવાની શંકા છે. કિરણ પટેલ અમદાવાદમાં મોદીફાઇડ કંસેપ્ટ પ્રાયવેટ લિમિટેડ નામની ઓડિટ ફર્મ પણ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેની સામે 2017માં પ્રથમ કેસ નરોડામાં નોંધાયો હતો. બાદમાં અરવલ્લીના બાયડ વિસ્તારમાં અને ત્રીજો કેસ વડોદરાના રાઉપુરામાં ઓગસ્ટ 2019માં કેસ નોંધાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com