કોલસાના ધંધાર્થીઓ વચ્ચે પરત થયેલા ચેકના કેસમાં વરનોરાવાસીને સજા
ભુજ, તા. 18 : બાવળિયા કોલસાની ખરીદી અને વેચાણના વ્યવસાય દરમ્યાન બે ધંધાર્થી વચ્ચેના વ્યવહારો દરમ્યાન અપાયેલો રૂા. 11 લાખથી વધુનો ચેક બેન્કમાંથી પરત ફરતા કરવામાં આવેલા નેગોશીયેબલ ધારાના કેસમાં તાલુકાના નાના વરનોરા ગામના ધંધાર્થી કાસમ જુશબ મોખાને અદાલતે એક વર્ષની સાદી કેદની સજા કરી હતી. ચેકના મૂલ્યની રકમ 60 દિવસમાં ચૂકવી આપવાનો પણ આદેશ કરાયો હતો. ભુજમાં બાલાજી એન્ટરપ્રાઇઝના નામે ભાગીદારીમાં કોલસાનો વ્યવસાય કરતા મિતુલ પ્રવિણભાઇ ચંદે દ્વારા આ કેસની ફરિયાદ આશિષ ટ્રેડર્સના નામે વ્યવસાય કરતા નાના વરનોરાના કાસમ મોખા સામે નેગોશીયેબલ ધારાની આ ફરિયાદ દાખલ કરી હતી, જે કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા આરોપીને આ સજા કરાઇ હતી. ન્યાયાધીશે આરોપીને એક વર્ષની સાદી કેદ સાથે ચેકની રકમ 60 દિવસમાં ચૂકવવા અને રકમ ન ચૂકવાય તો વધુ બે માસની સજાનો આદેશ પણ કર્યો હતો. કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેન્દ્ર બી. સેજપાલ સાથે લાલજી એ. બરાડિયા અને હરેશ એમ. મહેશ્વરી રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com