મુંદરામાં 12 બંધ મકાનનાં તાળાં તોડી 8.87 લાખની સામૂહિક ચોરી

મુંદરામાં 12 બંધ મકાનનાં તાળાં તોડી 8.87 લાખની સામૂહિક ચોરી
ભુજ, તા. 31 : બેખોફ બનેલા નિશાચરોએ મુંદરાના નાના કપાયાની એમઆઇસીટી ટાઉનશિપને નિશાન બનાવી સામૂહિક રીતે એક ડઝન બંધ?મકાનનાં તાળાં તોડી રૂા. 8.87 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરતાં પોલીસને દોડતી કરી છે. બીજીતરફ 12માંથી પાંચ મકાનના માલિક બહારગામ હોવાથી ચોરીનો આંક વધવાની પૂરી સંભાવના છે. એમઆઇસીટી ટાઉનશિપમાં અંદાજિત 300 જેટલા મકાન છે અને કોલોનીના મુખ્ય પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડ તથા બે સીસીટીવી કેમેરા લાગેલા છે, પરંતુ સોમવારની મધ્યરાતે બે વાગ્યાથી સવારના પાંચ સુધીમાં કોલોનીની પાછળ લોખંડની વાડ?તોડીને કોલોનીમાં પ્રવેશેલા નિશાચરોએ બંધ મકાનોને નિશાન બનાવી કુલ 12 મકાનનાં તાળાં તોડી મુદ્દામાલ તફડાવ્યો હતો. ગઇકાલે રાત્રે મુંદરા પોલીસની પેટ્રોલિંગ પાર્ટી  કોલોનીના પ્રવેશદ્વાર પાસે પહોંચી ત્યારે ત્યાં સ્થિત સિક્યુરિટી ગાર્ડ્સને તકેદારી રાખવા સૂચવ્યું પણ હતું. સામૂહિક ચોરીની ઘટનાના પગલે સવારથી જ મુંદરા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પગેરું દબાવવાના પ્રયાસો આદર્યા હતા. પી.આઇ. હાર્દિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, માત્ર ગેટ?પર જ સીસીટીવી કેમેરા હોવાથી આ ચોરી ગતિવિધિ?તેમાં કેદ થઇ નથી. કોલોનીમાં ક્યાંય કેમેરા નથી. આમ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેની કામગીરી ચાલુ છે. આ રીતે સામૂહિક ચોરીને અંજામ આપવામાં પરપ્રાંતીય ગેંગ પાવરધી હોવાથી તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરાયું  આ ઉપરાંત તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, લોકો પણ સતર્ક રહે તે જરૂરી છે અને આવી કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ ધ્યાને આવતાં પોલીસને જાણ કરે, જેથી ગુનાખોરીને ડામવામાં મદદરૂપ થઇ શકે. આ સામૂહિક ચોરી અંગે મુંદરા પોલીસ મથકે આ ટાઉનશિપમાં જ રહેતા અને મૂળ ભાવનગર બાજુના હરપાલસિંહ ધારૂભા ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ પત્ની ત્રણેક દિવસથી ધાર્મિક પ્રસંગે બહાર ગામ ગયા હતા અને પોતે ગઇકાલે રાત્રે નોકરી પર ગયા હતા અને સવારે પડોશીનો ચોરી થયા અંગેનો ફોન આવ્યો હતો. ફરિયાદીના ઘરનો નકુચો તોડી કબાટનો લોક તોડી તેમાંથી સોનાનું મંગળસૂત્ર, ચાર બંગડી, ચાર વીંટી, બે બૂટી, એક પોંચી, એક એરિંગ અને ચગદો તેમજ ચાંદીની મૂર્તિ, સિક્કા તથા રોકડા રૂા. 3000 તેમજ ઘડિયાળ એમ કુલે રૂા. 3,87,000ના સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત મુદ્દામાલની કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયા છે. આ ઉપરાંત અન્ય 11 જેટલા સાહેદોના બંધ ઘરનાં તાળાં તોડી તેમાંથી પણ અંદાજે પાંચ લાખના સોનાના દાગીનાની ચોરી થઇ છે. આમ, હાલ કુલ રૂા. 8,87,000ની ચોરી થઇ?હોવાનું સામે આવ્યું છે. 12 મકાનનાં તાળાં તૂટયા છે. તેમાંના પાંચ મકાનના માલિક બહારગામ હોવાથી તેમાંથી કઇ-કેટલી વસ્તુની ચોરી થઇ?છે તે સામે આવ્યું નથી. આમ, આ સામૂહિક ચોરીનો આંક હજુ વધે તેની પૂરી સંભાવના છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust