દેસલસરનાં વહેણમાંથી સતત વહેતાં દૂષિત પાણીથી મુશ્કેલી

ભુજ, તા. 31 : દેસલસર તળાવના ઓગનનાં વહેણમાંથી સતત વહેતાં ગટરનાં પાણીને પગલે રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે અને આ સમસ્યા ઉકેલવા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આ અંગે રજૂઆત કરતાં રહેવાસી કુંભાર અકરમની યાદીમાં જણાવાયા મુજબ હીનાપાર્ક-એકમાં તેમના મકાનની બાજુમાંથી દેસલસર તળાવનો ઓવરફલો (ઓગનનું વહેણ) પસાર થાય છે, જેમાં સતત ગટરનું ગંદુ પાણી વહ્યાં કરે છે અને તેની સાથે અન્ય કચરો પણ તણાઇ આવે છે. આ ગંદુ પાણી મકાન પાસે જમા થાય છે અને ત્યાં મોટા પ્રમાણમાં ઝાડી આવેલી છે. પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છ, જેના કારણે અહીં રહેતા લોકો બીમારીનો ભોગ બને છે, જેથી મકાન પાસે સાફસફાઇ કરાવી, ઝાડી કટિંગ કરાવી અને ગટરનું વહેતું ગંદુ પાણી બંધ કરાવવા માંગ કરી હતી. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં કાયમી ઉકેલ આવતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સમસ્યા અંગે સ્થાનિક નગરસેવક કાસમભાઇ (ધાલાભાઇ) કુંભારને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, બજારની મુખ્ય ગટરની લાઇન બેસી ગઇ હોવાથી આ ગટરનું પાણી અહીં આવે છે. જો સમસ્યા નહીં ઉકેલાય તો કાયદાકીય રીતે આગળ વધાશે તેવી ચીમકી આપી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com