ગાંધીધામ-અંજારમાં પ્રજાસતાક પર્વ ઊજવાયો

ગાંધીધામ, તા. 31 : ગાંધીધામ, અંજારમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાઈકરેલી, સાંસ્કૃતિક, દેશભક્તિના ગીત વગેરે સાથે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રોટરેક્ટ ક્લબ ગાંધીધામ અને રોટરેક્ટ ક્લબ ભુજ વિબ્ગ્યોર દ્વારા પ્રજાસતાક પર્વે સતત પાંચમી વખત બાઈકરેલી યોજવામાં આવી હતી. ગાંધીધામથી કાઢવાંઢ-ધોળાવીરા સુધી યોજાયેલી 400 કિમીની રેલીમાં 55 રાઈડરએ ભાગ લીધો હતો. ભુજ રોટરી ક્લબના નિપુર શેઠે રેલીને ફ્લેગઓફ કર્યુ હતુ. સંસ્થાઓ દ્વારા નાયબ કલેક્ટર મિતેષ પંડયાનો આભાર પ્રગટ કર્યો હતો. ભુજ બ્લોગર્સ તથા સમર્યા ગ્રુપ દ્વારા સહયોગ સાંપડયો હતો. ગાંધીધામ ક્લબના સાજન પટેલ, ભુજ વિબ્ગ્યોર ક્લબના પ્રમુખ ગોપાલ ગઢવીએ પ્રોજેક્ટ ચેરમેન તરીકે તેમજ ગાંધીધામ ક્લબ પ્રમુખ મિતેશસિંહ જાડેજા, ભુજ ક્લબના મંત્રી જીલ પોમલ તેમજ સભ્યોએ સહયોગ આપ્યો હતો. લોહારિયા પ્રાથમિક શાળાને 70 વર્ષ પૂર્ણ થતા અનોખી રીતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં ધ્વજવંદન, શાળા સુશોભન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આંગણવાડીના બાળકોનો અનોખો કાર્યક્રમ, ગામની બહેનોનો રસોઈ શો, દેશભક્તિ ગીત, નૃત્ય તેમજ ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બાદ સમૂહ ભોજન લઈ શાળા પરિવાર અને ગ્રામ પંચાયત દ્વારા પશુ, પક્ષીઓ માટે ચણ, અબોલ જીવોને ખીચડી ખવડાવવામાં આવી હતી. સમુત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ભારત વિકાસ પરિષદ અંજાર દ્વારા પ્રજાસત્તાક પર્વે એક શામ દેશ કે નામ પર દેશભક્તિ ગીત, સંગીત, નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભમાં દિપપ્રાગટય કરી ભુકંપમાં દિવંગત લોકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ વંદેમાતરમ ગીતનું સમુહગાન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં અંજાર એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ, કે ડાન્સ ગ્રુપ, નાટયાલય અંજાર તથા બીના પરીખ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ભારતેન્દુ માંકડ અને સંગત ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા હાજર રહી પ્રાસંગીક ઉદ્બોધન કર્યુ હતુ. શાખા ઉપપ્રમુખ મનોજભાઈ અબોટીએ સૌને આવકાર્યા હતા. આ વેળાએ નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, આર.એસ.એસ. સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહ મહેશભાઈ ઓઝા, ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત સચિવ ડો.જાગૃતિબેન ઠક્કર, હોદેદારો જખાભાઈ હુંબલ, તેજસભાઈ પુજારા, સીએ પિયુષભાઈ ઠક્કર, દિપેન પંડયા તથા બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો મેઘજીભાઈ રબારી, સુનિલભાઈ રાઠોડ વગેરેએ સહયોગ આપ્યો હતો. આભારવિધિ પરેશભાઈ સોનીએ કરી હતી. રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી.અંજારના દબડા વાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહેમાનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં શાળામાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા પ્રાથમિક કક્ષાની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં 72 છાત્રોએ ભાગ લીધો હતો અને 100 ટકા પરિણામ આવ્યું હતું, જેમાં 10 વિદ્યાર્થી પ્રથમ, 32 વિદ્યાર્થી દ્વિતિય અને 30 વિદ્યાર્થી તૃતિય સ્થાને આવ્યા હતા. જે તમામને પ્રજાસત્તાક પર્વે ધ્વજવાહક પ્રવિણાબેન તથા આચાર્ય, શિક્ષકો વગેરેના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્ર સંચાલક વિરેન્દ્ર પોમલ, શાળાના આચાર્ય રાજેશભાઈ સોતા, શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. એસ.એમ.સી. અધ્યક્ષા વૈશાલીબેન સોરઠીયા હાજર રહ્યાં હતા. નગરસેવક કુંદનબેન જેઠવાના હસ્તે આ વર્ષમાં જન્મ લેનાર બાલિકાઓની માતાનું પ્રમાણપતત્ર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. સંચાલન શિક્ષિકા હંસાબેન ભગતે જ્યારે આભારવિધિ અલ્પેશભાઈ વી. પટેલે કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com