ગળપાદરમાં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો - ક્રાઇમ કોર્નર

ગાંધીધામ, તા. 31 : તાલુકાના ગળપાદર ગામે વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારીને  માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરાતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી પીજીવીસીએલ પેટા કચેરીમાં  જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા અજય શાંતિલાલ જેઠવાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી અને અન્ય કર્મચારી ચિરાગ પરમાર આજે સવારે ગળપાદર ગામે  વીજ ચેકિંગમાં ગયા હતા. ગામમાં રામાપીરના મંદિર પાસે આવેલા એક ઘરમાં આ બંને તપાસ અર્થે ગયા હતા. વિરડા બીજલ ભચુભાઇનાં નામે આવેલ આ મીટરની તપાસ કરી રહ્યા હતા ત્યારે  આરોપી મ્યાજર ત્યાં આવી કેમ મારા ઘરમાં ચેકિંગ માટે આવેલ છો ? થોડીવાર બાદ એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે આ કર્મીઓને  ગાળો આપતાં સરકારી કર્મચારીઓએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ થપ્પડ મારી ધક્કા-મુક્કી કરી તેમને બહાર કાઢ્યા હતા અને બીજી વખત ચેકિંગમાં આવ્યા છો તો મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.- ઘડુલીમાં ભંગાર ચોરનારે સ્કૂટીએ તફડાવી : ભુજ, તા. 31 : લખપત તાલુકાના ઘડુલીમાં દયાપર પોલીસે ચોરાઉ શંકાસ્પદ ભંગાર સાથે જે-તે સમયે આરોપી અનિલ શાંતિલાલ ઠક્કર (રહે. ઘડુલી)ને ઝડપી લેતાં તેણે રૂષિ એન્ટરપ્રાઇઝ દુકાનના ગોદામમાંથી વાયર તથા તાંબાનો ભંગાર જેની કિં. રૂા. 11 હજારની ચોરી કબૂલતાં તેની વિધિવત ફરિયાદ ગઇકાલે દાખલ થઇ હતી. બીજી તરફ ગત તા. 29-1ના ફરિયાદી જનકભાઇ ચંદુભાઇ પટેલ (મૂળ ઘડુલી હાલે મેઘપર બો.)એ પોતાના વરંડામાં મહેન્દ્ર કંપનીની રોડિયો સ્કૂટી નં જી.જે.-12 -સી.ઇ.-1572 કિં. રૂા. 13000વાળી રાખી હતી અને ફરિયાદી ગાંધીધામ ગયા હતા. બાદ તા. 30-1ના તેમની સ્કૂટી આરોપી અનિલે ચોરી હોવાનું અને દયાપર પોલીસે  તેને પકડી લીધાનો ફોન આવ્યો હતો. આથી સ્કૂટી ચોરનાર અનિલ વિરુદ્ધ વિધિવત આજે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. - ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા આઠ શખ્સ ઝડપાયા : ગાંધીધામ, તા. 31 : શહેરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,550 જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરની નૂરી મસ્જિદ પાસે હનુમાન મંદિરની સામે જાહેરમાં જુગાર રમતાં ઇમરાન અબ્દુલકરીમ વારૈયા, ઇકબાલ ઇસ્માઇલ ટીંબલિયા, અહેમદ ઇબ્રાહીમ વારૈયા, નૂરા કાળુ ધોળીધોર, વજા લક્ષ્મણ આહીરને પોલીસે પકડી પાડયા હતા.આ શખ્સો પાસેથી  રોકડ રૂા. 12,150 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 52,650નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ આ જ જગ્યા પાસે  પત્તા ટીંચતાં ગોરા રામા આહીર, ઝાલુભાઇ બળવંત વાઘેલા, પ્રવીણ ગણેશ પરમારને   પકડી પાડવામાં આવ્યો હતો. આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 4400 તથા એક મોબાઇલ એમ કુલ રૂા. 4900નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. - બળાત્કાર કેસમાં બે પિતરાઇ  ભાઇના જામીન નામંજૂર કરાયા : ભુજ, તા. 31 : હાથઉછીના અપાયેલા રૂપિયાની લેતીદેતી અન્વયે બનેલા કહેવાતા બળાત્કારના કેસમાં બે પિતરાઇ ભાઇ મેહુલ સુંદરજી નાગડા અને હાર્દિક દિલીપ નાગડાની જામીન અરજી અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી. આ જામીન અરજીની સુનાવણી દરમ્યાન ફરિયાદ પક્ષ દ્વારા ઉઠાવાયેલા વાંધા ગ્રાહય રાખીને ભુજની ખાસ અદાલતે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણીયા તથા ફરિયાદ પક્ષે ભાવેશ ડી. દરજી, ભરત એમ. સોરઠીયા, વિવેકાસિંહ આર. જાડેજા, અજય એન. મહેશ્વરી, મહેશભાઇ પુરાણીયા, સ્નેહ બી. ગોસ્વામી, સ્મીત બી. ગોસ્વામી અને અશોક આર. માતા રહયા હતા.      વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust