વિરાયતન દ્વારા આજથી ત્રણ દિવસ સુવર્ણજયંતી મહોત્સવ

ભુજ, તા. 25 : વિરાયતન વિદ્યાપીઠ સંસ્થા દ્વારા વિરાયતનના સુવર્ણજયંતી મહોત્સવની કાલથી ત્રણ દિવસ માટે ઉજવણી થનાર છે. તા. 26થી 28 જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. તા. 26 જાન્યુઆરીએ હરિપર ખાતે વિરાયતન ઈજનેરી કોલેજના સંકુલમાં સવારે 9 વાગ્યે ધ્વજવંદન અને 10 વાગ્યે અદાણી ઓડીટોરીયમનું ઉદ્ઘાટન થશે. બપોરે ત્રણ વાગ્યે આચાર્ય પદ્મશ્રી ચંદનાજીનો જન્મદિવસ ઉજવાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ અદાણી, જયારે અધ્યક્ષસ્થાને વિરાયતનના ચેરમેન અભયભાઈ ફિરોદીયા, રાજ સૌભાગ્ય સત્સંગ મંડળના ભાઈશ્રી, જૈના અમેરીકાના અધ્યક્ષ હરેશ શાહ હાજરી આપશે. સાંજે 7.30 વાગ્યે વીરાયતન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂકરશે. તા. 27/1ના સવારે 9.30 વાગ્યે સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે સાહિત્યકાર પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ, ડો. અભય ફિરોદીયા અને જીતો એપેક્ષના અધ્યક્ષ અભયકુમાર શ્રીશ્રીપાલ તથા પૂજયભાઈશ્રી હાજરી આપશે. સાંજે 7.30 વાગ્યે તાનારીરી મુંબઈ ગ્રુપ દ્વારા રંગરગીલો ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28/1ના સવારે 8 વાગ્યે દિક્ષાર્થી કુમારી ઝલક જૈનનો બૌંતેર જિનાલય ખાતેથી વરઘોડો નીકળશે. જયારે 10 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં આચાર્ય ચંદનાજી આશીર્વચન આપશે. મુખ્ય મહેમાન પદે સાંસદ વિનોદ ચાવડા, સમારોહના અધ્યક્ષસ્થાને વિરાયતન કચ્છ એકમના અધ્યક્ષ સુંદરજીભાઈ શાહ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહેશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com