સિરાઝ વિશ્વનો નંબર વન બોલર

દુબઇ, તા.2પ: ટીમ ઇન્ડિયાનો યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ આઇસીસી વન ડે ક્રમાંકમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. તેણે ન્યુઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટને હટાવીને તેની કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં 360 રન કરનાર ભારતીય યુવા ઓપનર શુભમન ગિલ 20 સ્થાનનો કુદકો લગાવીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે. સ્ટાર વિરાટ કોહલી તેનાથી એક સ્થાન નીચે સાતમા ક્રમે છે. આઇસીસીએ આજે નવા વન ડે ક્રમાંક જાહેર કર્યાં છે. જેમાં સિરાઝ 729 રેટિંગ પોઇન્ટ સાથે ટોચ પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ 727 પોઇન્ટ સાથે બીજા અને ન્યુઝીલેન્ડનો ટ્રેંટ બોલ્ટ 708 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ટોપ ટેન બોલરમાં સિરાઝ સિવાય અન્ય કોઇ ભારતીય બોલર સામેલ નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇસીસીની 2022ની વન ડે ટીમમાં પણ સિરાઝનો સમાવેશ કરાયો છે. સિરાઝે અત્યાર સુધીમાં 21 વન ડેમાં 38 વિકેટ લીધી છે. બેટિંગ ક્રમાંકમાં શુભમન ગિલ 734 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. તેણે 20 સ્થાનની છલાંગ લગાવી છે. વિરાટ 727 અંક સાથે સાતમા અને રોહિત 719 અંક સાથે નવમા ક્રમે છે. પાક.નો બાબર આઝમ 887 રેટિંગ સાથે ટોચ પર યથાવત છે. વન ડે ઓલરાઉન્ડર ક્રમાંકમાં બાંગલાદેશનો શકિબ અલ હસન ટોચ પર છે. આ સૂચિમાં ટોપ ટેનમાં કોઇ ભારતીય ખેલાડી સામેલ નથી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust