સુસવાટા મારતા પવન સાથે ડંખીલો ઠાર

ભુજ, તા. 24 : સુસવાટા મારતા પવન સાથે કચ્છમાં અનુભવાતો ડંખીલો ઠાર દિવસે ને દિવસે વેધક બનતાં જનજીવન ઠંડુગાર બની ગયું છે. નલિયામાં લઘુતમ પારો બે ડિગ્રીના ઘટાડા સાથે 6.2 ડિગ્રીએ પહોંચતાં એક દિવસના વિરામ બાદ કચ્છના આ નગરે રાજ્યના મોખરાનાં શીતમથકમાં સ્થાન મેળવ્યું હતું. હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલલહેરની ચેતવણી જારી કરતાં કચ્છના વહીવટી તંત્ર દ્વારા આવશ્યક તકેદારીનાં પગલાં ભરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ?હતી. 10થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઝંઝવાતી વાયરાના પગલે મહત્તમ પારો ગગડેલો રહેતાં આખો દિવસ ટાઢોડાનો અનુભવ જળવાયેલો રહેતાં લોકોને ગરમ વત્રો પહેરી રાખવા પડયા હતા. બે દિવસ ઠંડીનો આકરો દોર જળવાયેલો રહ્યા પછી તબક્કાવાર પારે બેથી ચાર ડિગ્રી ઊંચકાતાં ઠંડીમાં આંશિક રાહત મળશે. ભુજમાં લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું પણ પવનની પાંખે ઠંડીનો ચમકારો એથી અનેકગણો અનુભવાયો હતો. કંડલા (એ.)માં 10.6 અને કંડલા પોર્ટમાં 11.9 ડિગ્રી લઘુતમ તાપમાન સામે નલિયામાં 22.6, ભુજમા 23.6, કંડલા પોર્ટમાં 23.7 અને કંડલા (એ.)માં 23.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કોલ્ડવેવ એટલે કે શીતલહેરની ચેતવણીને ધ્યાને લઇ અધિક નિવાસી કલેકટર મિતેશ પંડયાએ તકેદારીના ભાગરૂપે કોલ્ડવેવથી કોઇ જાનહાનિ ન થાય તે માટે રેન બસેરામાં વ્યવસ્થાની ચકાસણી કરવા, કોઇ માનવ મૃત્યુ થાય તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા, મોટી ઉંમરના વડીલો, નાનાં બાળકોને ઠંડીથી બચવા માટે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવા, વધુ કેલેરીવાળો પોષક આહાર લેવા સહિતની સૂચના પણ આપવામાં આવી છે. ઠારના માર સાથે પવનની તીવ્રતા વધુ રહેતાં લોકોને ધોળા દિવસે પણ તાપણું કરી કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહત્તમ પારો ગગડેલો રહેતાં દિવસના ભાગે થતા હૂંફાળા માહોલની અનુભૂતિ છેલ્લા ત્રણેક દિવસથી સાવ અલોપ થઇ ગઇ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com