કચ્છમિત્રની મતદાન જાગૃતિ પહેલને ખાસ એવોર્ડ

ભુજ, તા. 24 : લોકશાહીના પર્વમાં વધુ ને વધુ મતદારો જોડાય એ માટેના ઉદ્દેશ સાથે કચ્છમિત્ર દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભિયાનને ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા ખાસ સન્માનિત કરવાની મહત્ત્વની જાહેરાત કરાઇ છે. આવતીકાલે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી પ્રસંગે આ એવોર્ડ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે એવી જાહેરાત કરાઇ છે. કચ્છમિત્ર દ્વારા ગ્લોબલ કચ્છના સંગાથે હાથ ધરાયેલી જાગો રે જાગો... મારો મત, મારી જવાબદારી પહેલની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કચ્છના તમામ ગામોને આવરી લેતી આ ઝુંબેશની નોંધ વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીએ પણ લીધી હતી.માતૃ સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના લોકજાગૃતિના મંત્રને વાસ્તવમાં આત્મસાત કરી રહેલા જન્મભૂમિ પત્રોની પરંપરાને જાળવી રાખીને કચ્છમિત્રએ આ ભારે પડકારભરી ઝુંબેશનું આયોજન હાથ ધર્યું હતું. કચ્છના ગામેગામ ફરી વળેલા મતદાર જાગૃતિના રથોએ હાથ ધરેલી પહેલને પરિણામે વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં 65,956નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. કચ્છમિત્ર દ્વારા લોકકલ્યાણ અને લોકજાગૃતિના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રકલ્પોને સમયાંતરે અલગ-અલગ મંચો પરથી પોંખવામાં આવતા રહે છે. આવતીકાલની ખાસ પ્રશસ્તિથી કચ્છમિત્ર અને જન્મભૂમિ પત્રોની યશકલગીમાં એક વધુ પ્રભાવશાળી ઉમેરો થયો છે.ઉલ્લેખનીય છે કે, મતદાર જાગૃતિ માટે ખાસ અભિયાન હાથ ધરવાનો વિચાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવાન ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાને આવ્યો હતો. કચ્છમાં પર્યાવરણથી માંડીને જીવદયાની પ્રવૃત્તિ સાથે સતત સક્રિય એવી ગ્લોબલ કચ્છ સંસ્થા આ નવતર ઝુંબેશમાં જોડાઇ હતી. ગ્લોબલ કચ્છના સહયોગ સાથે કચ્છમિત્રની ટીમે આ મુશ્કેલ કાર્યને ઉપાડી લીધું હતું.સંયુક્ત રીતે સતત 20 દિવસ માટે મતદાર જાગૃતિ પહેલને મૂર્તિમંત કરાઇ હતી.જેમાં સાત રથે છ વિધાનસભા મતવિસ્તારના 850 જેટલા ગામની મુલાકાત લઇને મતદારોને લોકશાહીના પર્વના મહત્ત્વથી માહિતગાર કરીને મતદાન માટે પ્રેરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દરેક રથને ખાસ ડિઝાઇન કરાયા હતા અને તેને માઇક સિસ્ટમ તથા ચા માટેના ખાસ મશીનથી સજ્જ કરાયા હતા. દરેક ગામના ચોરે કે ચોકમાં અથવા શહેરી વિસ્તારોમાં લોકોની વધુ હાજરી ધરાવતા સ્થળોએ રથ પહોંચે એટલે સાથે રહેલા ખાસ તાલીમબદ્ધ સંચાલકે મતદારો સાથે ચાની બેઠક કરીને મતદાનની જરૂરત સમજાવી હતી. આ ઝંબેશ માટે કચ્છી કવિ પબુ ગઢવી `પુષ્પ' દ્વારા ખાસ ગીત તૈયાર કરાયું હતું જેનો હાર્દ મતદાન કરજો-કરાવજો રહ્યો હતો. મોટાભાગના સ્થોળએ મતદારો પાસેથી મતદાન કરવાના વચન સાથે સહીઓ પણ લેવાઇ હતી. આ આખી ઝુંબેશની તસવીરી ઝલક કચ્છમિત્રમાં રોજ પ્રકાશિત થઇ હતી અને રોજ આગલા દિવસના રથના રૂટ પણ જાહેર કરાતા હતા.આ રથોની સાથોસાથ કચ્છમિત્રની આ પહેલમાં જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે ભુજમાં આ ઝુંબેશમાં સંગીતમય રીતે જોડાઇને સૂર પુરાવ્યો હતો, તો કચ્છમિત્રએ તેના દૈનિક પ્રકાશનમાં સમાજના વિવિધ વર્ગના, ધર્મના અને વિસ્તારોના અગ્રણીઓની તસવીર સાથે મતદાન કરવા અંગેના સંદેશ પ્રસિદ્ધ કર્યા હતા. આ માટે કચ્છમિત્ર દ્વારા આખા પાના જેટલી જગ્યા ફાળવી હતી. આ પહેલમાં કચ્છના ચૂંટણી તંત્રનો પૂરતો સહયોગ રહ્યો હતો. જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને નાયબ ચૂંટણી અધિકારી ભરત પટેલ સહિતનાએ, આખા તંત્રે આ રથના પ્રસ્થાન અને વ્યવસ્થાપનમાં ઊંડો અને વ્યકિતગત રસ લીધો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com