મોદીઘેલું ગુજરાત..

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં રીતસરની આંધી સાથે સતત 7મી વાર ભારતીય જનતા પાર્ટી સત્તાસ્થાને બિરાજમાન થઈ છે. આજે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તોડ્યો છે અને 156 બેઠક પર કેસરિયો લહેરાવી પ્રચંડ જીત હાંસલ કરી છે. સાથે સાથે 1985નો 149 બેઠકનો માધવાસિંહ સોલંકીનો વિક્રમ પણ તોડ્યો છે. નરેન્દ્ર મોદીના કરિશ્માને પગલે ભાજપે બંગાળમાં સીપીએમના શાસનનો 7 વખતના રેકોર્ડની બરોબરી કરી છે. બીજી તરફ કોંગ્રેસનો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ આ ચૂંટણીમાં રહ્યો છે. કોંગ્રેસને માત્ર 17 બેઠક મળવાથી રાજ્યસભાની માર્ચ, 2023માં યોજાનારી ચૂંટણીમાં એકપણ બેઠક મળશે નહીં. 16 જિલ્લામાં  કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયાં છે, તો આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકમાં જીત મેળવીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવ્યો છે. તવારીખી વિજય બાદ હવે 12 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે શપથ લેશે. ગુજરાતના પરિણામ બાદ આજે ભૂપેન્દ્ર પટેલે અગાઉના નરેન્દ્ર મોદીના રેકૉર્ડ તોડી એક નવો રેકોર્ડ સર્જ્યો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો અને હવેના ભાજપે આ આંકડો પણ પાર કરી લીધો છે. અગાઉ અનેક જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારી ઈચ્છા એવી છે કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટે અને સાથે સાથે નરેન્દ્રભાઈના રેકોર્ડ ભૂપેન્દ્રભાઈ તોડે. જોકે આ વાતને સાબિત કરતાં પરિણામો આજે આવ્યા છે. 2017ની તુલનાએ  ભાજપની બેઠકોમાં 57નો વધારો થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક ભાજપને પ્રાપ્ત થઇ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ધૂમ પ્રચારનું પરિણામ દેખાઇ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ યોજેલી તમામ રેલીમાં કહ્યું હતું કે, તમારે આપણા નરેન્દ્રભાઇ જ કહેવાનું, અને વડાપ્રધાન તો હું દિલ્હી... તેમણે લાગણીથી લોકોના દિલ જીતવા કહ્યું હતું કે, વડીલોને મારા પ્રણામ કહેશો! આટલું મારું કામ કરશો ને ! કરશો ને ! એમ કહીને લોકોના દિલ જીતી લીધા હતા અને તેનું જ  આ પરિણામ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં અત્ર, તત્ર, સર્વત્ર કેસરિયો લહેરાયો છે. ચૂંટણી લડી રહેલા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના 18 સભ્યનો વિજય થયો છે જે અત્યાર સુધીની ગુજરાતના ઇતિહાસમાં એક રેકોર્ડ ઉભો કરશે. આજે જાહેર થયેલા પરિણામોમાં સૌથી વધુ લીડ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છે. તેઓને 1,92,263ની સરસાઇ મળી છે, જે એક ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક લીડ તરીકે પ્રસ્થાપિત થઇ છે. આ ઉપરાંત ભાજપના 9 ઉમેદવાર એવા છે કે જેમની લીડ 1 લાખ કરતા વધુ છે. જેમાં સુરતની ચોર્યાસી બેઠક, મજુરા બેઠક, ઓલપાડ બેઠક તેમજ સુરત પૂર્વની બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ પશ્ચિમ, પંચમહાલની કાલોલ, વલસાડની વલસાડ, વડોદરાની માંજલપુર અને અમદાવાદની એલિસબ્રીજ બેઠકનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી 41 બેઠક પર 50 હજાર કરતા વધુ મતથી જીતી છે. જેમાં અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસક્રોઇ, ગણદેવી, નડિયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લિબાયત, માંગરોળ (સુરત), મણિનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઉંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વિરમગામ અને વઢવાણની બેઠકનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 179 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીએ 182 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસના 44 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ લલિત કથગરા, વાંકાનેરથી પીરઝાદા, રાધનપુરથી રઘુ દેસાઇ, કલોલથી બળદેવજી ઠાકોર, સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર, બાયડથી પૂર્વ મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રાસિંહ વાઘેલા, ધોરાજીથી લલિત વસોયા, વિરમગામથી લાખા ભરવાડ, દસાડાથી નૌશાદ સોલંકી, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, બાપુનગરથી હિંમતાસિંહ પટેલ, ખંભાળિયાથી વિક્રમ માડમ, જામજોધપુરથી ચિરાગ કાલરિયા, લાઠીથી વીરજી ઠુમ્મર, સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત, બોરસદથી રાજેન્દ્રાસિંહ પરમાર, છોટા ઉદેપુરથી સંગ્રામાસિંહ રાઠવા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી પ્રભાતાસિંહ ચૌહાણની કાલોલ બેઠક પર હાર થઇ છે. 2017ની વિધાનસભામાં કોંગ્રેસના 3 ધારાસભ્ય મુસ્લિમ હતા જેમાંથી માત્ર અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાનો વિજય થતાં હવે વિધાનસભાની 182 બેઠકમાં માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્યનું પ્રતિનિધિત્વ રહેશે. ગુજરાતના પરિણામમાં કોંગ્રેસને 16 જિલ્લામાં એકપણ બેઠક મળી નથી. આ જિલ્લાઓમાં ખેડા, કચ્છ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ડાંગ, મોરબી, અરવલ્લી, રાજકોટ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ અને તાપીનો સમાવેશ થાય છે. આજે જાહેર થયેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠક પ્રાપ્ત કરીને વિધાનસભામાં એન્ટ્રી કરી છે અને 13.08 ટકા જેટલો વોટશેર મેળવતા હવે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થશે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો કતારગામ બેઠક પરથી તેમજ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયેલા ઇશુદાન ગઢવીનો ખંભાળિયા બેઠક પરથી પરાજય થવા પામ્યો છે. આ ઉપરાંત વરાછારોડ પરથી અલ્પેશ કથિરીયા, કરંજ બેઠક પરથી મનોજ સોરઢીયા, મજુરા બેઠક પરથી પી.વી.એસ.શર્મા, ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયા અને માંડવી બેઠક પરથી કૈલાસ ગઢવીની હાર થઇ છે. દરમિયાન આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપના 3 મહત્વના નેતાઓ હર્ષદ રિબડિયા વિસાવદરથી, જવાહર ચાવડા માણાવદરથી  અને બાબુ બોખિરીયાની પોરબંદર બેઠક પરથી હાર થઇ છે. ભાજપના આ 3 દિગ્ગજ નેતાઓમાંથી 2 પૂર્વ મંત્રી છે. જ્યારે કોંગ્રેસના ગીરસોમનાથ બેઠક પરથી પુંજા વંશ અને માંડવી બેઠક પરથી આનંદ ચૌધરીની હાર થઇ છે. આ ઉપરાંત ભાજપના 19 બળવાખોરોમાંથી માત્ર 3 બળવાખોરની જીત થઇ છે. તેમાં બાયડ બેઠક પરથી ધવલાસિંહ ઝાલા, ધાનેરા બેઠક પરથી માવજીભાઇ દેસાઇ અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રાસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે જે બળવાખોરો હાર્યા છે તેમાં મહત્વના ગણાતા પાદરાના દિનુમામા, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156 બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે. ભાજપને 54.09 ટકા વોટશેર સાથે 156, કોંગ્રેસને 24.02 ટકા સાથે 17 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 13.08 ટકા સાથે 5 બેઠક અને અન્યને 4 બેઠક પ્રાપ્ત થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક માંથી ભાજપને 46, કોંગ્રેસને 3 બેઠક, આપને 4 બેઠક જ્યારે અન્યને 1 બેઠક મળી છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી ભાજપને 33, કોંગ્રેસને 1 અને આપને 1 બેઠક મળી છે. મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપને 55, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠક મળી છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી ભાજપને 25, કોંગ્રેસને 5 અને અન્યને 2 બેઠક મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 50 ટકા વોટશેર સાથે 99 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસના 42.02 ટકા સાથે 77 બેઠક મળી હતી. સૌરાષ્ટ-કચ્છની 54 બેઠકમાંથી કોંગ્રેસને 30 બેઠક, ભાજપને 23 બેઠક જ્યારે અન્યને 1 બેઠક મળી હતી. દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને 10 બેઠક મળી હતી. મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપને 37, કોંગ્રેસને 22 અને અન્યને 2 બેઠક મળી હતી. ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી કોંગ્રેસને 18 અને ભાજપને 14 બેઠક મળી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી ગુજરાતની દરેક ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ જામતો હતો. ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટીએ પણ જોર લગાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવ્યા છે. તેના મુખ્ય કારણોમાં આપની એન્ટ્રીએ મહત્વની ભૂમિકા ભજવીને કોંગ્રેસને ભારે નુકસાન કરાવ્યું છે. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં મોદી-શાહની જોડીએ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી બેઠકો અને મહત્વની બેઠકોને સર કરવા પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પણ ભાજપ સફળ થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકોને સર કરવા મોદીએ ખાસ્સું જોર લગાવ્યું હતું અને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારોમાં જંગી ચૂંટણી પ્રચાર સભાઓ યોજી હતી અને જે સભાઓ સફળ રહી છે.

© 2023 Saurashtra Trust