જનતા જનાર્દનને વંદન કરું છું : મોદી

નવી દિલ્હી, તા. 8 : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો બાદ સાંજે દિલ્હીનાં ભાજપ મુખ્યાલયમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભાજપ પ્રત્યક્ષ નથી જીત્યું, ત્યાં ભાજપના મત શેર ભાજપ પ્રત્યેના સ્નેહના સાક્ષી છે. આ જીત નવા ગુજરાતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે ગુજરાત હિમાચલ અને દિલ્હીનાં લોકોનો આભાર માન્યો હતો. કાર્યકતોઓને સંબોધતા તેમણે કહ્યું કે હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું. જેપી નડ્ડાનાં નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે, તેની સુવાસ આપણે ચારેય તરફ અનુભવી રહ્યા છીએ. પેટાચૂંટણીમાં પણ તમારો પ્રેમ દેખાયો હતો. યુપીના રામપુરમાં ભાજપનો વિજય થયો છે. બિહાર ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનું પ્રતાબિંબ છે. હું ચૂંટણી પંચનો પણ આભાર વ્યક્ત કરું છું. ચૂંટણી વખતે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે, આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ. મેં વચન આપ્યું હતું કે ભૂપેન્દ્રને નરેન્દ્રનો રેકોર્ડ તોડે તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જનાદેશ ભાજપને આપીને લોકોએ નવો ઈતિહાસ રચ્યો છે. અઢી દાયકાથી સતત સરકારમાં હોવા છતાં આવો પ્રેમ અભૂતપૂર્વ છે. લોકોએ જાતિ-વર્ગ વગેરેથી ઉપર ઊઠીને ભાજપને મત આપ્યો. આ ચૂંટણીમાં એક કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જેમણે કોંગ્રેસનું કુશાસન ન જોયું હતું, માત્ર ભાજપની સરકાર જોઈ. યુવાનો જાણે છે કે કેવી રીતે પ્રશ્નો પૂછવા. યુવાનો જ્યારે આત્મવિશ્વાસ જુએ, કામ જુએ ત્યારે જ મત આપે. ભાજપને વોટ આપીને યુવાનોએ સંદેશો આપ્યો છે કે યુવાનોએ અમારા કામની કસોટી કરી તેના પર વિશ્વાસ મૂક્યો છે.

© 2023 Saurashtra Trust