હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને જનાદેશ
શિમલા, તા. 8 : ગુજરાતમાં પરાજયના ગમ વચ્ચે કોંગ્રેસને પહાડી રાજ્ય હિમાચલમાં ખુશી મળી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનનો જનાદેશ આવ્યો છે. જનતાએ મુખ્યમંત્રી જયરામ ઠાકુરનાં ભાજપ શાસનને રામ-રામ કરી નાખ્યા છે. અહીં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળ્યો છે તો આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી ન હતી. મુખ્યમંત્રી નક્કી કરવા કોંગ્રેસે શુક્રવારે ચંડીગઢમાં બેઠક બોલાવી છે. હિમાચલમાં છેલ્લાં 37 વર્ષથી દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ રહ્યો છે. આ વખતે પરંપરા તોડવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ સત્તાનું પુનરાવર્તન થયું નથી. કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બનવા ખેંચતાણ શરૂ થઈ છે. વિરભદ્ર પરિવારે ઈશારામાં દાવો કરી દીધો છે. 6 મહિના પહેલા પ્રદેશ પ્રમુખ બનેલા પ્રતિભા સિંહ (6વાર મુખ્યમંત્રી રહેલા વિરભદ્ર સિંહનાં પત્ની) એ કહ્યંy કે જનતા વિરભદ્ર પરિવારનું નેતૃત્વ ઈચ્છે છે. ચૂંટણી પંચના અહેવાલમાં છેલ્લી સ્થિતિએ કુલ 68 બેઠક પૈકી કોંગ્રેસને 38 બેઠક મળી હતી અને બે બેઠક પર આગળ છે, જ્યારે ભાજપ 17 બેઠકમાં જીત્યું હતું અને સાત બેઠક પર આગળ છે. 3 અપક્ષે મેદાન માર્યું છે. સિરાજ બેઠકથી મુખ્યમંત્રી જયરામ ઠાકુર ર0 હજારથી વધુ મતોથી જીત્યા હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પદ પરથી રાજીનામું આપતાં પરાજય સ્વીકારી જનતાનો આભાર માન્યો હતો. હિમાચલમાં દરેક ચૂંટણીમાં 45થી 75 ટકા મંત્રીઓ હારતા હોવાની પરંપરા જળવાઇ હતી અને જયરામ ઠાકુરના 10માંથી આઠ મંત્રી હાર ગયા હતા. હિમાચલમાં સરકાર રચવાનું ચિત્ર સ્પષ્ટ થતાં જ કોંગ્રેસને ભાજપના ઓપરેશન લોટસનો ડર લાગ્યો હતો જેથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પ્રભારી રાજીવ શુકલા તથા હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને તાબડતોબ શિમલા મોકલ્યા હતા. કોંગ્રેસે પોતાના વિજયી ધારાસભ્યોનું ખરીદ-વેચાણ ન થાય તે માટે તેમને રાજસ્થાન ખસેડવા નિર્ણય લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ પ્રદેશમાં વિજયનો જશ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રાને આપ્યો હતો તેમણે કહ્યંy કે આ યાત્રાથી કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાં ફાયદો થયો છે.