ગુજરાતમાં વિકાસ- રાષ્ટ્રવાદનો વિજય

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી): ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક વિજય સાથે માધવાસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે ભાજપમાં ચારે તરફ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. કમલમમાં ઢોલ-નગારાના સાથે જશ્ન મનાવાયો હતો. ભાજપની જીતના ગરબા પણ બહેનો દ્વારા આયાજિત કરાયા હતા. તો આ સાથે સી.આર. પાટિલ સહિત દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચ્યા હતા. ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સી.આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢાં મીઠાં કરાવ્યાં હતાં. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સી.આર. પાટિલે જાહેરાત કરી કે, 12 ડિસેમ્બર, સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને જાહેરાત કરી હતી કે, 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. ભવ્ય જીત વિશે પાટિલે કહ્યું કે, ભાજપ 27 વર્ષ બાદ પણ સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતા જનાર્દને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી સૌથી વધુ સીટો, સૌથી વધુ લીડ અને સૌથી વધુ વોટશેર સાથે પૂર્ણ બહુમતિ આપેલ છે તેનો અમે આભાર માનીએ છીએ, એમ જણાવ્યું હતું.

© 2023 Saurashtra Trust