ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં વિક્રમી 1.92 લાખ મતે જીત

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ત્યારે ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત થઇ છે. એક વખત ફરી ઘાટલોડિયાની જનતાએ મુખ્યમંત્રીને જંગી સંખ્યામાં મતો આપી વધાવ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ડો.અમી યાજ્ઞિકની હાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર વિક્રમી 1 લાખ 92 હજાર 263 મતોથી જીત થઇ છે. જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી લીડ ધરાવવાનો રેકોર્ડ છે. આ બેઠક પર 59.71 ટકા મતદાન થયું હતું અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર 5 ડિસેમ્બરે યોજાયેલી મતદાનમાં કુલ 2,55,883 મત પડ્યા હતા. જે કુલ ઘાટલોડિયા બેઠકના 59.71 ટકા હતા. ઘાટલોડિયા બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના ડો. અમીબેન યાજ્ઞિક અને આપના વિજયભાઇ પટેલની કારમી હાર થવા પામી છે. તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1,92,263 મતોની જંગી લીડથી વિજેતા બન્યા છે. આ સરસાઇ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ છે. ગત 2017ની ચૂંટણીમાં પણ આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં ભાજપના તે વખતના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આંદોલન તેની ચરમસીમાએ હતું તેમ છતાં પણ તેમણે કોંગ્રેસના શશિકાન્ત પટેલને 1,17,750 મતથી હાર આપી હતી. એ જ રીતે વર્ષ 2012માં પણ ઘાટલોડિયા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ચૂંટણી લડ્યા હતા અને તેઓની 1,10,395 મતોથી જીત થઇ હતી. અમદાવાદના ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી જીતવું એ કોંગ્રેસ માટે દીવાસ્વપ્ન સમાન છે. આમ, ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ આપ્યા છે.

© 2023 Saurashtra Trust