ભાજપને ગુજરાતમાં વિક્રમી મત કેવી રીતે મળ્યા ?

ભાર્ગવ પરીખ દ્વારા અમદાવાદ, તા. 8 : ગુજરાતના રાજકારણમાં આ વખતે પણ મોદી મેજિક તો ચાલ્યો જ છે, પણ નરેન્દ્ર મોદીના માઈક્રો મેનેજમેન્ટને કારણે  ભાજપે મેળવેલો વિજય ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે, માધવાસિંહ સોલંકીનો રેકોર્ડ ત્રણ દાયકા પછી તોડ્યો છે અને કદાચ આવનારા ઘણા દાયકાઓ સુધી આ રેકોર્ડ તૂટવો સંભવ નથી દેખાતો. ગુજરાતમાં 2022ના થયેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની કમર તોડી નાખી છે, કોંગ્રેસની પરંપરાગત મતબેન્ક તો તોડી જ છે, સાથેસાથે કમિટેડ વોટબેન્ક તોડી નાખી છે. ગુજરાતમાં 2002ની ચૂંટણીઓ પછી ભાજપની બેઠકમાં ઘટાડો થતો હતો, 2017ની ચૂંટણીમાં છેક 99 બેઠકો પર આવી ગયેલી ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવવા ઉપરાંત 53 ટકા મત મેળવ્યા છે. સી.એસ.ડી.ના સેફોલોજિસ્ટ સંજય શ્રીવાસ્તવે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની ટ્રેમાં ઘણા મુદ્દા હતા, પણ એને વાપરતા ના આવડ્યા, તો ભાજપે કરેલા માઈક્રો મેનેજમેન્ટને ઓળખવામાં કોંગ્રેસ અને આપ બંને નિષ્ફળ રહ્યા, એટલે ભલે વાટિંગ ગઈ ચૂંટણી કરતાં ઓછું થયું હોય, પણ મત અંકે કરવામાં ભાજપ સફળ રહ્યો છે. આ ચૂંટણીમાં 47 ટકા લોકોએ પાર્ટી જોઈને વોટ આપ્યા છે, તો 37 ટકા લોકોએ વિકાસનાં નામે મત આપ્યા છે, જેના કારણે ભાજપે કોંગ્રેસની કમર તોડી નાખી છે, ક્ષત્રિય મતદારોમાંથી ભાજપને  61 ટકા, કોંગ્રેસને 25 ટકા અને આપને 7 ટકા વોટ મળ્યા છે, તો ગઈ ચૂંટણીમાં ભાજપની પટેલ વોટબેન્કમાં ગાબડું પાડ્યું હતું, પણ આ વખતે ભાજપને 59 ટકા, તો કોંગ્રેસને 19 ટકા અને આપને 16 ટકા વોટ મળ્યા છે, વળી કોંગ્રેસની આદિવાસી વોટબેન્કમાં ભાજપને 41 ટકા, કોંગ્રેસને 21 ટકા અને આપને 16 ટકા અને મુસ્લિમમાં ભાજપને 13 ટકા, કોંગ્રેસને 44 ટકા અને આપને 39 ટકા, ઓબીસીમાં ભાજપ 55 ટકા, કોંગ્રેસને 26 ટકા અને આપને 19 ટકા અને અનુસૂચિત જાતિમાં ભાજપને 47 ટકા, કોંગ્રેસને 28 ટકા અને આપને 20 ટકા વોટ મળ્યા છે.

© 2023 Saurashtra Trust