જિલ્લાનાં ચૂંટણીતંત્રએ આખરે હાશકારો લીધો..

જિલ્લાનાં ચૂંટણીતંત્રએ આખરે હાશકારો લીધો..
ભુજ, તા. 8 : ચૂંટણી આવે છે તેની ત્રણ મહિના પહેલાં જ તૈયારીઓ કરી ચૂકેલા કચ્છના વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓએ સતત રાત-દિવસ જોયા વગર કામ કરી આજે ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાવીને હાશકારો અનુભવ્યો હતો. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી ભરતભાઇ પટેલ તથા તેમની સાથે છ બેઠકના ચૂંટણી અધિકારીઓએ કવાયત કરી હતી. જાહેરનામું બહાર પડયું એ પૂર્વે મતદાર યાદીમાં મતદારોના નામો છેલ્લી ઘડી સુધી ઉમેરવાની મથામણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ભરત પટેલે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કલેક્ટર શ્રી રાણા અને અધિક કલેક્ટર મિતેશ પંડયાએ આપેલી સૂચના પ્રમાણે જાહેરનામું બહાર પડયું ત્યારથી ચૂંટણીને લગતી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. છ પ્રાંત અધિકારી અબડાસાના દેવાંગ રાઠોડ, માંડવીના ચેતન નિસણ, ભુજના અતિરાગ ચાપલોત, અંજારના મેહુલ દેસાઇ, ગાંધીધામના મેહુલ બરાસરા, રાપરના બાલમુકુંદ સૂર્યવંશીએ દરેક બેઠકમાં આર.ઓ.ની જવાબદારી નિભાવી હતી. દરેક બેઠકની ઉમેદવારી પત્રો ભરાવવાથી માંડી ચકાસણી પરત ખેંચવાનું વગેરેનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. ચૂંટણી કચેરીના નાયબ મામલતદાર પુલીન ઠાકર, પ્રવિણ સોલંકી, મનિષ ચંદરવા, હિતેશ ગોર, અંકિત ઠક્કર, કાર્તિક જોશી, મોહિતસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા અને ગણેશ ચૌધરીએ અત્યાર સુધી તમામ કામગીરી કચેરીમાં અને મતદાનથી માંડી મત ગણતરી સુધી સંભાળી હતી. ખાસ કરીને આજે બુથના તમામ આંકડા એકત્ર કરી છ બેઠકોની ચોક્કસાઇપૂર્વકનું કામ ભાડાના ચિરાગ ભટ્ટ, ચિરાગ ચાવડા, ચિંતન ભટ્ટ વગેરેએ કામ સંભાળ્યું હતું. મતગણતરી સમયે તમામ બેઠકો પર દરેક ઉમેદવારના કાર્ડ કે ચૂંટણી એજન્ટ, મતદાન ગણતરી એજન્ટ બનાવવાથી માંડી કેન્દ્રમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આટલા મોટા કામમાં આજે જોડાયેલા 500 કર્મચારીઓથી માંડી રાજકીય પક્ષના ચૂંટણી એજન્ટો, મીડિયા કાર્યકરો તમામ માટે કાઉન્ટીંગ સ્થળે ભોજન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. આખરે બધું સમુંસૂતરું પૂર્ણ થતાં જિલ્લાના ચૂંટણી તંત્રે રાહતનો દમ લીધો હતો. તો મતદાન વખતે 10 હજાર સરકારી કર્મચારીએ કરેલું કામ પણ ચૂંટણી અધિકારીએ વખાણ્યું હતું.

© 2023 Saurashtra Trust