કચ્છમાં અભૂતપૂર્વ, વિક્રમતોડ જીત

કચ્છમાં અભૂતપૂર્વ, વિક્રમતોડ જીત
ભુજ, તા. 8 : વિધાનસભા સામાન્ય ચૂંટણીના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં નરેન્દ્રભાઇ અને ભૂપેન્દ્રભાઇની ડબલ એન્જિન સરકારનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે ત્યારે કચ્છમાં પણ પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કાર્યકારી અધ્યક્ષ વલમજીભાઇ હુંબલ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિક્રમતોડ દેખાવ સાથે તમામે તમામ બેઠકો પર ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. દાયકાઓ બાદ કચ્છની તમામ બેઠકો પર વિજય પ્રાપ્ત કરવાનું શ્રેય ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એ વાસ્તવમાં મોદીજીના વિકાસ મંત્ર અને સુશાસનમાં કચ્છની જનતાએ દાખવેલા અપાર વિશ્વાસનું પરિણામ છે. નરેન્દ્રભાઇએ કચ્છ પ્રત્યે હંમેશાં અપ્રતિમ પ્રમ વરસાવ્યો છે ત્યારે કચ્છીજનોએ છએ છ બેઠક પર શાનદાર વિજય અપાવીને નરેન્દ્રભાઇનું ઋણ ઊતારવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રસંગે પ્રતિભાવ વ્યક્ત કરતાં જિલ્લા ભાજપ કાર્યકારી અધ્યક્ષ વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિકાસગાથાના પરિણામે કચ્છમાં ભાજપે આજે નવો ઇતિહાસ આલેખ્યો છે. કાર્યકર્તાઓના આસમાની ઉત્સાહ અને મહિનાઓથી અથાક પ્રયત્નોના ભાગરૂપે ભાજપને નેત્રદીપક સફળતા પ્રાપ્ત થઇ છે. ગત ટર્મના ભાજપના તમામ ધારાસભ્યોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને ભાજપના હજારો કાર્યકર્તાઓનો સતત, અવિરત, અવિરામ પરિશ્રમનું આ પરિણામ છે. જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ નડ્ડાજી, વડાપ્રધાન શ્રી મોદી, ગૃહમંત્રી અમિતભાઇ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મોવડી મંડળે હંમેશાં કચ્છના પ્રાણપ્રશ્નોની ચિંતા કરી છે તેનું આ પરિણામ છે. ઇજનેરી કોલેજ ખાતે જાહેર થયેલા પરિણામો બાદ ભાજપના સર્વે ચૂંટાયેલા ધારાસભ્યો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વાજતે-ગાજતે આવી પહોંચ્યા હતા જ્યાં કાર્યકરોની વિશાળ મેદની વચ્ચે તેમને ઢોલ નગારાના નાદ સાથે ફટાકડા ફોડીને આવકારાયા હતા. ત્યારબાદ સર્વે કાર્યકરોએ વિજેતા થનાર ઉમેદવારોને જિલ્લા કાર્યાલય ખાતે શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે સાંસદ વિનોદ ચાવડાએ તમામ છએ છ બેઠક પરના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી આ વિજય કચ્છના નાગરિકોનો હોવાનું ગણવ્યું હતું એવું કચ્છના મીડિયા ભાજપ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

© 2023 Saurashtra Trust