ગાંધીધામ મતગણતરી કક્ષમાં કોંગ્રેસના ઉમેદવારે ગળેટૂંપાનો પ્રયાસ કરતાં ધમાચકડી

ગાંધીધામ મતગણતરી કક્ષમાં કોંગ્રેસના  ઉમેદવારે ગળેટૂંપાનો પ્રયાસ કરતાં ધમાચકડી
ભુજ, તા. 8 : ગાંધીધામ મતવિસ્તારના મતગણતરી કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ સોલંકીએ ઇ.વી.એમ. મશીનના સીલ તૂટવા તેમજ વહીવટી ક્ષતિઓના પગલે લીધેલા વાંધાને લઇને જ્યારે મતગણતરી મધ્યભાગમાં પહોંચી હતી ત્યારે ભરતભાઇ ત્યાં ધરણા પર બેસી ગયા હતા અને પોતાની જાતે ગળેટૂંપાનો પ્રયાસ કરતા રીતસરની ધમાચકડી મચી હતી.  આ બાદ તેઓ તેમજ કોંગ્રેસના એજન્ટો ઉપરાંત અન્ય ઉમેદવારો પણ મતગણતરીનો બહિષ્કાર કરી કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. ભરતભાઇને સમજાવવા માટે જિલ્લા કલેકટર તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસવડાને કવાયત કરવી પડી હતી. મતગણતરીના 12થી 13 રાઉન્ડ પૂરા થયા હતા ત્યારે જ ભરતભાઇએ ચૂંટણી અધિકારી વાંધા પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોવાનું આળ મૂકી જમીન પર બેસી ધરણા જાહેર કર્યા હતા. આ બાદ કોંગ્રેસના એજન્ટોએ પણ ગાકીરો કર્યો હતો. બીજી તરફ અન્ય ઉમેદવારો પણ ભરતભાઇની સાથે જ ધરણામાં બેસી જતા જોવા જેવી થઇ હતી. આ વચ્ચે ભરતભાઇ અચાનક ઊભા થઇ પોતાનો ગમચો સુરક્ષાની જાળી સાથે બંધાયેલા વાંસના વળામાં બાંધી જાતે ગળેટૂંપાનો પ્રયાસ કરતા પોલીસ સહિતના સુરક્ષા કર્મચારીઓએ તેને રોકી લીધા હતા. આ ધમાચકડીને લઇને જિલ્લા કલેકટર દિલીપભાઇ રાણા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભરતભાઇને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. પોલીસ તેમજ સીઆરપીએસના જવાનોનો કાફલો એ સુરક્ષા વ્યવસ્થા ન ખરડાય તે માટેના પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ ઉમેદવારોના એજન્ટો પણ આમને-સામને આવી જતા રીતસરનો ગોકીરો થયો હતો. બાદમાં ભરતભાઇ તથા અન્ય ઉમેદવારો તેમજ એજન્ટોએ મતગણતરીનો બહિષ્કાર કરતા પોલીસે તેને બહાર લઇ ગઇ હતી. દરમ્યાન આ બાબતને લઇને મતગણતરી કેન્દ્રના ચૂંટણી અધિકારી મેહુલ બરાસરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સિરિયલ નંબરના સીલમાં વહીવટી ક્ષતિને લઇને તેમજ સરનામા ટેગ પર મશીન નંબર હાથેથી લખેલા હોવાથી ફરીથી લખાયા હતા. આમ આવી ક્ષતિઓને લઇને ભરતભાઇએ મતગણતરી અટકાવવા માંગ કરી હતી, આમ આ વાંધાઓ ગ્રાહ્ય ન રહેતા બબાલ મચી હતી. આ મુદ્દે વિજેતા માલતીબેનને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ખરેખર તો જનતાનો જનાદેશ હંમેશાં શિરોમાન્ય રહેવો જોઇએ, પરંતુ આ કિસ્સામાં કોંગ્રેસ હાર ભાળી ગઇ હોવાથી આ હાર પચાવી શકી નથી તે ફલિત થાય છે.

© 2023 Saurashtra Trust