અબડાસામાં નર્મદાનાં સિંચાઈનાં પાણી હજુ પહોંચાડવાનાં છે

અબડાસામાં નર્મદાનાં સિંચાઈનાં પાણી હજુ પહોંચાડવાનાં છે
ભુજ, તા. 8 : અબડાસા વિધાનસભાની બેઠક ઉપર પોતે જ પોતાનો વિક્રમ તોડીને વિજયની હેટ્રીક મારી ચૂકેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ અત્યંત સહજતાથી પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ભાજપની યોજનાઓ અને વિસ્તારમાં કરેલા કામોનો વિજય છે અને પક્ષના એક-એક કાર્યક્રમની મહેનતનું આ પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે, અબડાસાના વિકાસ માટે જ મે નિર્ણય બદલ્યો હતો અને આજ વિકાસકામોએ મને જીતાવ્યા છે. કાર્યકર્તાઓએ રાત-દિવસ જોયા વગર કામ કર્યું હતું. સૌથી મોટી વાત એ છે કે, સમગ્ર રાજ્યમાં ટિકીટ ફાળવણીમાં ફેરબદલ થયા છતાં પક્ષે મારી ઉપર ફરીથી વિશ્વાસ મૂકયો હતો એ જ પહેલો વિજય હતો. હવે અબડાસામાં શું ખૂટે છે એ સવાલ સામે બાપુએ કહ્યું કે, નર્મદાના સિંચાઈના પાણી અબડાસા, લખપત અને નખત્રાણા એમ ત્રણેય તાલુકામાં પહોંચાડવાના છે. ભુજ-નારાયણ સરોવર રોડને ફોરલેનના પ્રયાસો કરવામાં આવશે. નલિયાને કોલેજ મળે અને સ્થાનિક યુવાનોને રોજગારી મુદ્દે કયાંય પાછીપાની નહીં કરૂં, કોઠારાને એ.પી.એમ.સી. અપાવીશ. તમે તમારો વિક્રમ તોડી અબડાસામાં ત્રીજી વખત ચૂંટાયા છે શું હવે નવી સરકારમાં મંત્રી પદની ઓફર મળશે તો જશો ? તો એક પરિપકવ રાજકારણીની જેમ જવાબ આપ્યો હતો ને કહ્યું કે મોટો વિસ્તાર છે અત્યારે પણ ઘણા કામો રહે છે. હું મારા વિસ્તારમાં જ રહીશ. હજુ અહીંના યાત્રાધામોનો વિકાસ કરવો છે. પિંગલેશ્વર બીચ હોય કે રખડતા ઢોરોનો અબડાસામાં પણ આ બધા પડતર પ્રશ્નો છે જે ઉકેલાઈ જાય તો ભયો-ભયો.... બબાભા તરીકે વિસ્તારના લોકો બોલાવે છે એટલે મને અહીં લોકોની વચ્ચે રહેવાનું વધુ ગમે છે. ઘોરાડ અભ્યારણની નડતર યુક્ત કરાવવાનું કામ પણ હજુ બાકી છે એમ તેમણે અંતમાં જણાવી તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો.

© 2023 Saurashtra Trust