સાદગીની ઓળખ નહીં ભૂંસાય ને હંમેશાં લોકોની વચ્ચે રહીશ

સાદગીની ઓળખ નહીં ભૂંસાય ને  હંમેશાં લોકોની વચ્ચે રહીશ
ભુજ, તા. 8 : અંજાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે નાનકડાં રતનાલ ગામે બીજી એક વ્યકિત એટલે કે, ત્રિકમભાઇ છાંગાને આપ્યા છે, ત્યારે  ચહેરા પર આનંદ હોય પરંતુ આ આનંદને સભાનતાપૂર્વક પરિપૂર્ણ કરવાની ખાતરી ત્રિકમભાઇએ આજે પોતાના પ્રતિભાવમાં આપી હતી. 37709 મતોની જંગી સરસાઇ સાથે પહેલી વખત ધારાસભ્યની ચૂંટણી લડયા ને પહેલી વખત જીત મેળવી ચૂકેલા ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, અંજાર બેઠક પર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો સમતોલ વિકાસ કરવાનો છે. ખાસ કરીને  અંજારને અડીને આવેલાં ગામોને અંજારમાં સમાવવાના પ્રયાસો કરવામાં આવશે. નજીકનાં ગામોને અંજારમાં  સમાવી અંજાર નગરપાલિકાને એ -ગ્રેડમાં ફેરવવામાં આવે તેવા પ્રયાસ કરશે જેથી અંજારનો સાચા અર્થમાં વિકાસ થઇ શકે. માળખાંકીય સુવિધાઓ અંજાર મતવિસ્તારમાં ઊભી કરવાને અગ્રતા આપવામાં આવશે. પક્ષે મોટી જવાબદારી સોંપી છે ત્યારે સભાનતાપૂર્વક નિભાવવામાં ક્યાંય પાછીપાની નહીં કરું. વિશ્વાસ મૂક્યો છે, તેને નિભાવીશ અને હંમેશાં લોકોની વચ્ચે જ રહીશ. તમે તમારી સાદગીથી ઓળખાઓ છો અને શિસ્તને માનનારાઓમાંથી છો, તો આ પ્રશ્ને કહ્યું કે, મારી ઓળખ જ સાદગી છે અને ધારાસભ્ય મતદારોએ બનાવ્યો છે તો આ ઓળખ ક્યારેય નહીં ભૂંસાય. એક શિક્ષકનો જીવ છું અને શિક્ષણને મહત્ત્વ આપીશ. શિક્ષણ ક્ષેત્રે ખૂટતી કડીઓ પૂરી કરવાનો કોલ આપતાં શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, અંજારને ભાજપ સરકારમાં હજારો-કરોડો રૂપિયાની વિકાસની ભેટ મળી છે ને હજુ જ્યાં પણ અધૂરાશો હશે તે ચોક્કસ પૂરી કરીશ.

© 2023 Saurashtra Trust