ચકરાઇમાં આઝાદી બાદ પ્રથમ વખત બસની વ્યવસ્થા થતાં ગ્રમાજનોનું હોંશભેર મતદાન

ચકરાઇમાં આઝાદી બાદ પ્રથમ વખત બસની  વ્યવસ્થા થતાં ગ્રમાજનોનું હોંશભેર મતદાન
દયાપર (તા. લખપત), તા. 8 : લખપત તાલુકામાં કુલ્લ ગામ અને પરાં બંનેની સંખ્યા 105 છે જેમાં 69 મતદાન મથકો છે. આથી ઘણી જગ્યાએ 50થી વધુ મતદારો હોવા છતાં પણ મતદાન મથક મળતું નથી. અસંખ્ય ગામડાંઓને નજીકનાં ગામમાં મતદાન કરવા જવું પડે છે. આવું જ ચકરાઇ ગામે છે. તે ગામના મતદાતાઓને ચાર કિ.મી. દૂર ભેખડા ગામમાં મતદાન કરવા જવું પડતું હતું, પરંતુ કચ્છમિત્રમાં અહેવાલ છપાયા બાદ વહીવટી તંત્રે મતદાન માટે બસની વ્યવસ્થા કરતાં ગ્રામજનો હેંશભેર જોડાયા હતા. ચકરાઇ ગામે દર વખતે પગપાળા ચાલીને કે ઉમેદવાર દ્વારા કે ગામના આગેવાનો દ્વારા જે વાહનની વ્યવસ્થા કરાય તેમાં આ મતદારો ભેખડા પહોંચે છે, પરંતુ આ વખતે કચ્છમિત્રએ ચકરાઇની મુલાકાત લઇ તેની વ્યથા અખબારમાં ઠાલવી હતી જેની અસર તળે વહીવટી તંત્ર દ્વારા સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરાઇ હતી. આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત સરકારે બસની વ્યવસ્થા કરતાં મતદાન મથક પર મત આપવા મતદાતાઓ હોંશેહોંશે ગયા હતા. ગામના અગ્રણી અમન જતે કહ્યું હતું કે, આટલા વર્ષો પછી અમને બસની વ્યવસ્થા મળી છે જેથી ગામલોકો ખુશ થયા છે. જો કે, વર્ષો પહેલાં આ દુર્ગમ વિસ્તારમાં એક એસ.ટી. પણ આવતી હતી જે છેલ્લા 10 વર્ષથી બંધ છે. અહીં ખાનગી વાહનોમાં જ લોકો પ્રવાસ કરી લે છે અને મતદાન માટે બસની વ્યવસ્થા થતાં લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે તંત્રની આટલા વર્ષની ઉદાસીનતા પણ ખટકી હતી.

© 2023 Saurashtra Trust