પરિણામે અનેકને ચોંકાવ્યા, તો અનેક પરિમાણ બદલ્યાં

ભુજ, તા. 8 : ભાજપે તો રંગ રાખી દીધો, 60 વર્ષના વિક્રમો તોડ્યા. આવું તો કોઈએ ધાર્યું નહોતું. `એન્ટી ઈન્કમબન્સી વાત સામે બ્રાન્ડ મોદી' હાવી થયું. એક્ઝિટ પોલમાં પણ વધુમાં વધુ 151 બેઠકની વાત કરાઈ હતી, અને મળી બેઠક 156. આ પરિણામે ભલભલા રાજકીય પંડિતોને ગોથું ખવડાવ્યું, એ લોકોએ એક્ઝિટ પોલના અનુમાનને વધુ પડતું ગણાવ્યું હતું, પણ ગુરુવારના પરિણામોએ અનેક સ્થાને ચોંકાવ્યા છે, અનેક વિક્રમો તૂટ્યા તો આ ઐતિહાસિક જીત પછી અનેક રાજકીય પરિમાણો પણ બદલાઈ ગયા છે. અનેક નેતાઓના કદ ઉલટપુલટ થઈ ગયા છે. આવી કેટલીક બાબતોની અહીં આછેરી ઝલક રજૂ કરી છે. સૌથી મોટો વિક્રમ ભાજપની ગુજરાતની તેના ઇતિહાસની સૌથી મોટી 156 બેઠકની જીત હતી. આ પહેલા ભાજપનો 127(2002) અને માધવાસિંહ સોલંકીનો (1985)નો 149 બેઠકોનો વિક્રમ હતો. પરિણામ એવા આવ્યા કે જાણે કોઈ જ મેચ જ નહોતી. બીજો વિક્રમ એ છે કે રાજ્યના કુલ 33 જિલ્લામાંથી 18 જિલ્લા એવા હતા જ્યાં તમામ બેઠક પર કમળની જીત થઈ. ચોંકાવનારી બાબતોમાં કેટલીક બેઠકો એવી હતી જેમાં ભાજપે ક્યારે જીત નહોતી મેળવી અને કોંગ્રેસ ક્યારે હાર્યું ન હતું, ત્યાં પણ ભાજપ જીત્યું. આ સિવાય નોંધનીય બાબતે હતી કે બોરસદ બેઠકમાં 1967 બાદ પ્રથમવાર ભાજપ જીત્યું હતું તો મહુધામાં 47 વર્ષ બાદ પ્રથમ વખત ભાજપ જીત્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં કમળે ઉજવળ દેખાવ કર્યો. આ એસટી અનામત બેઠકમાં ગત ચૂંટણી કરતાં બાર વધુ બેઠકમાં વિજય મેળવ્યો હતો. ઘણા બધા પરિમાણો પણ બદલાઈ ચૂકયા છે. આમ આદમી પક્ષ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવનાર નવમો પક્ષ બન્યો. ગુજરાતની રાજનીતિ જ જાણે બદલાઈ ગઈ અને હવેથી અહીં ચૂંટણીઓ દ્વિધ્રુવી અને બદલે ત્રીધ્રુવીય જ ખેલાશે. જેમ કહેવાતું હતું એમ આપ ગુજરાતના બીજા ક્રમનો વિપક્ષ ન બની શક્યો પણ હવે કોંગ્રેસનો મુખ્ય વિપક્ષનો દરજ્જો તો જોખમમાં આવી જ ગયો એમ કહેવાય છે. જાણકારોના દાવા મુજબ વિપક્ષ માટે 19 બેઠક જરૂરી હોય છે અને કોંગ્રેસને 17 બેઠક જ આવી છે. કોંગ્રેસને આવા અનેક ઝટકા લાગ્યા. રિપીટ થિયરી અમલમાં મૂકીને કોંગ્રેસે 48 સાટિંગ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી માત્ર આઠમાં જ જીત મળી હતી. જાવેદ પીરજાદા, લલિત વસોયા, વિક્રમ માડમ જેવા તેના દિગ્ગજો હાર્યા છે. મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા એ આપના ઉમેદવાર ઈશુદાન ગઢવી અને તેના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પણ હારી ગયા. આ પરિણામે ગુજરાતના ભાજપવાળા સીઆર પાટિલનું કદ વધારી દીધું છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ લંબાશે કે કેમ તેની સામે સવાલ કર્યા છે. કારણ કે હિમાચલ પ્રદેશમાં ભાજપની સત્તા ગઈ છે અને એ પહેલાં પેટાચૂંટણીમાં પણ ભાજપને પછડાટ પડી હતી.

© 2023 Saurashtra Trust