અહીં ઓરડા નહીં; શાળા જ નથી ?

અહીં ઓરડા નહીં; શાળા જ નથી ?
બાબુ માતંગ દ્વારા નિરોણા (પાવરપટ્ટી), તા. 8 : સરહદી જિલ્લાની અનેક શાળાઓમાં ઓરડા ઘટની સમસ્યા વર્ષોથી સતાવે છે, પરંતુ પાવરપટ્ટીના ઝુરા ગામે છેલ્લા પાંચ વર્ષોથી માધ્યમિક શાળાની મંજૂરી મળ્યા પછી આજ સુધી શાળાનું માળખું ઊભું ન થતાં ગામની પ્રાથમિક શાળાના ઓરડા અને ખુલ્લી ચાલીમાં બાળકો ઠંડીની શીત લહેર વચ્ચે ઠુઠવાતાં અભ્યાસ કરે છે. ભુજ તાલુકાના છેવાડાના અને અંદાજે 5000ની વસ્તી ધરાવતાં ઝુરા ગામમાં અગાઉ, માધ્યમિક શાળાની સગવડ ઉપલબ્ધ ન હોઇ આ ગામ અને આસપાસના જતવાંઢ, ઝુરા કેમ્પ અને લોરિયા ગામોનાં બાળકો માધ્યમિક શિક્ષણ માટે નિરોણા, ઢોરી કે રુદ્રમાતા સુધી જવું પડતું. 2016-17માં ગામમાં નવી કન્યાશાળાનું નિર્માણ થયાં પછી તેને ખુલ્લી મૂકવા તત્કાલીન રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગામમાં આવ્યા હતા. આ પ્રસંગે ગામ લોકો મંત્રી પાસે ગામમાં માધ્યમિક શાળાની મંજૂરી આપવાની માંગ કરતાં તે જ વખતે મંત્રીએ ગામને માધ્યમિક શાળાની મંજૂરી આપી દીધી હતી. ગામમાં માધ્યમિક શાળાનું માળખું ઊભું કરવા ગામના દાતા હારૂન સાલેમામદ જતે પણ આગળ આવી ગામ નજીક પોતાની ખેડવાણ જમીનમાંથી એક એકર જમીન દાનમાં આપી દીધી હતી. પાછળથી એ શાળાને ઊભી કરવા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. જાણવા મળેલ માહિતી મુજબ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી થયાં પછી પણ આજ સુધી હાઇસ્કૂલનાં મકાનનું કામ શરૂ થઇ શકયું નથી. છેલ્લાં પાંચ વર્ષોથી ભારે અગવડો વચ્ચે ચાલી રહેલ અહીંની માધ્યમિક શાળામાં ચાલુ સાલથી ધો. 11ની પણ મંજૂરી આપવામાં આવી છે. હાલ આ શાળાનાં બાળકો ગામની જૂની પ્રાથમિક કુમાર શાળાના ઓરડામાં અભ્યાસ કરે છે. ગામની પ્રાથમિક શાળામાં હાલ 9 જેટલાં વર્ગ ખંડો છે. જેમાં 1થી 8 ધોરણના 205 બાળકો ભણે છે. આમ ઓછા ઓરડા વચ્ચે કુલ 11 ધોરણના 300 બાળકોના શિક્ષણમાં મોટી સમસ્યા ઊભી થઇ છે. માધ્યમિક શાળાના માળખાંના અભાવને લઇ અહીં અભ્યાસ કરતાં બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર ઊભી થઇ છે. જેને લઇ વાલી વર્ગમાં પણ ભારે નારાજગી પ્રવર્તે છે. જેથી આ ગામે વહેલામાં વહેલી તકે શાળાનું મકાન ઊભું કરવામાં આવે તેવી માંગ મંજૂર કરાયેલી શાળાને નવી કોમ્પ્યુટર લેબોરેટરીની મંજૂરી મળ્યા પછી શાળાને કોમ્પ્યુટર શિક્ષણને લગતી અનેક કિંમતી સામગ્રી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી, પરંતુ એ લેબોરેટરીની સામગ્રીને સાચવવા કે તે અંગેનું શિક્ષણ આપવા જરૂરી રૂમોની સગવડ ન હોઇ આ કોમ્પ્યુટર લેબની સગવડ ઝુરા ગામ નજીક આવેલ સુમરાસર-શેખ ગામે હાલે જ શરૂ થયેલ નવી માધ્યમિક શાળાને આપી દેવાઇ છે.

© 2023 Saurashtra Trust