કચ્છની ઓળખ રોગાન અને અજરખ

કચ્છની ઓળખ રોગાન અને અજરખ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 8 : તાલુકાના અજરખપુર ગામે કચ્છની રોગાન અને અજરખકળાનો વિશ્વમાં ડંકો વગાડનારા હસ્તકળાના મહારથી પદ્મશ્રી ગફુરભાઈ ખત્રી (નિરોણા), હસ્તકળા ક્ષેત્રે કચ્છને કર્મભૂમિ બનાવનારા જુડીબેન એન. ફ્રેકર (અમેરિકા) તેમજ અજરખ પ્રિન્ટને ખ્યાતિ અપાવનારા ડો. ઈસ્માઈલભાઈ ખત્રી (અજરખપુર)નો વિશેષ સન્માન સમારોહ મુસ્લિમ ખત્રી ખિદમત ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો, જેમાં સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર અર્પણ કરી આહ્વાન કરાયું હતું. આ પ્રસંગે જુડીબેને તેમના પ્રવચનમાં પોતે 1970માં એક વિદ્યાર્થી તરીકે કચ્છ અવેલા, પછી 1989 સુધી કચ્છમાં હેન્ડીક્રાફટસ રિસર્ચ માટે પેતે આવતા. પછી 1990થી 2020 સુધી કચ્છ અને સમગ્ર?ભારતમાં કલા ક્ષેત્રે પ્રદાન આપતા તેને યાદ કરી 2003માં કારીગરો માટે પ્રથમ કલા રક્ષા વિદ્યાલયની સ્થાપના કરી કચ્છ, કલા અને કચ્છીયત પર એટલો લગાવ થયો કે પોતે સોમૈયા કલા વિદ્યાલય-આદિપુરને પોતાની કર્મભૂમિ બનાવી કચ્છના ઘણા કારીગરો- વિદ્યાર્થીઓને ડિઝાઈન અને બિઝનેસ મેનેજમેન્ટની તાલીમ આપી પગભર થાય એવા કલાના પાઠ શીખવ્યા. હાલમાં અમેરિકા સ્થાયી થયેલા જુડીબેને કચ્છી અજરખ પરિધાન સાડીમાં ઉપસ્થિત રહીને કચ્છે મને શીખવ્યું અને મેં કચ્છીઓને શીખવ્યાની વાત કરતાં ખત્રી સમાજ દ્વારા સન્માન કરી ઋણચૂકવવાની ઘણા વર્ષોની માંગ આજે પૂરી થતાં ખત્રી ખિદમત ટ્રસ્ટનો આભાર માની પોતાના અર્ધી સદીના અનુભવની વાત કરી હતી. અજરખને અનુભવ અને જ્ઞાનના કારણે નવી ઊંચાઈઓ આપનારા ભીષ્મપિતા અને લેસેસ્ટરમાં અમિતાભ બચ્ચનને અભિનેતાની ડો.ની ડિગ્રી મળી એથી પહેલાં આ ડિગ્રી મળી એવા કચ્છના અજરખપુરના ડો. ઈસ્માઈલભાઈ ખત્રીએ જણાવ્યું કે અજરખના અનુભવ તે વખત કરતાં વધુ સપ્તરંગી બન્યા છે. સ્મૃતિવન (ભુજ)માં હેન્ડીક્રાફટ ગેલેરીની યાદગાર ડિઝાઈન બનાવવાના મોકાથી ધન્યતા અનુભવતા હોવાનું કહેતાં સ્મૃતિવનના ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કચ્છની અજરખના વખાણને યાદ કર્યા હતા. તો નિરોણા રોગાન કળાને ભારતનો ઉચ્ચ એવોર્ડ પદ્મશ્રી મળ્યો એવા ખત્રી ગફુરભાઈના નાનાભાઈ સુમાર ખત્રીએ રોગાન કળાની છબી છેક અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમાં શોભા વધારે એનાથી વધુ કચ્છની કળાને વધુ શું ખપે તેવું જણાવી તેમણે રોગાનકળાને વધુ વિકસાવવા વિશ્વફલક પર નામના મળી તેનો ગર્વ અનુભવ્યાનું ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ખત્રી મુસા અભુભખર (ભુજ), સોનેજી અહમદભાઈ (અંજાર), ખત્રી જબારભાઈ (ધમડકા), ખત્રી મુસ્તાકભાઈ (માંડવી), ખત્રી દાઉદભાઈ, ખત્રી ઓસમાણભાઈ, ખત્રી અબ્દુલ કાદીર, ખત્રી ઈબ્રાહીમભાઈ, ખત્રી અનવરભાઈ, સોમૈયા કલા વિદ્યાલયના ડાયરેકટર નિશિતભાઈ, સામજીભાઈ વણકર, ખત્રી ગુલામભાઈ, રાજાભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત તિલાવતે કુર્આનથી ખત્રી અકીલભાઈએ કરી. સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન પ્રો. અબ્દુલવાહેદ ખત્રીએ કર્યા હતા. સંચાલન ઈસ્માઈલ સોનેજીએ સંભાળ્યું હતું. ટ્રસ્ટીઓ મૌલાના ઈલિયાસ, અબ્દુલ અઝિઝ મિત્રી, અબ્દુલ રસીદ ખત્રી, કાસમભાઈ ખત્રી, અદ્રેમાન ખત્રી (મેનેજર), રસિદભાઈ ખત્રી (અંજાર), સુલેમાન ખત્રી, અબ્બાસ ખત્રી (અજરખપુર) તેમજ અજરખપુરના ખત્રી ભાઈઓ હાજર રહ્યા હતા.

© 2023 Saurashtra Trust