ઓસ્ટીઓપેથી દવા કે શત્રક્રિયા વિના દુ:ખાવામાં રાહત આપે

ઓસ્ટીઓપેથી દવા કે શત્રક્રિયા વિના દુ:ખાવામાં રાહત આપે
બિદડા (તા. માંડવી), તા. 8 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબીલીટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટર છેલ્લા 21 વર્ષથી દિવ્યાંગજનોને પુન:વસન તેમજ રિહેબીલીટેશન ક્ષેત્રમાં ટેકનોલોજી ટ્રાન્સફર તેમજ એજ્યુકેશન એક્સચેન્જ પ્રોગ્રામ માટે પ્રયત્નશીલ છે. જયા રિહેબના 22 વર્ષથી માનદ સેવા આપતા ડાયરેક્ટર મુકેશ દોશી તેમજ આસિ. ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્યા, જયા રિહેબના મુખ્યદાતા અરવિંદ શાહના પ્રયાસોથી નવેમ્બર મહિનામાં 28, 29 અને 30ના `મીરેકલ્સ ઇન રિહેબીલીટેશન વિથ ઓસ્ટીઓપેથી મેડિસીન' આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ કોર્સ યોજાયો હતો. મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓએ અવારનવાર બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબીલીટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરની મુલાકાત દરમ્યાન દિવ્યાંગજનો માટે ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેકનોલોજીથી પ્રભાવિત થતાં એજ્યુકેશન એક્સચેન્જ પ્રોગ્રામ માટે એમઓયુ કરાયા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત મિશિગન યુનિ.ના પ્રોફેસર ડો. લોરેન્સ પ્રોકોપ અને ડો. જેક રોવાન નવેમ્બર મહિનામાં જયા રિહેબ ખાતે ગુજરાત તેમજ ભારતભરના રિહેબીલીટેશન પ્રોફેશનલ્સને ઓસ્ટીઓપેથી વિશે માર્ગદર્શિત કર્યા હતા જેમાં ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, પ્રોસ્થોટિક-ઓર્થોટિક, નેચરોપેથી થેરાપીસ્ટ, આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથી ડોક્ટર વગેરે ભાગ લીધો હતો. તેઓ પોતપોતાના દર્દીઓને કોઇપણ દવા કે શત્રક્રિયા વગર પણ દુ:ખાવામાં રાહત આપી શકશે. ઓસ્ટીઓપેથી એ એક અસ્થિ વિષયક ચિકિત્સા પદ્ધતિ છે જેમાં કોઇપણ પ્રકારની સર્જરી કે દવા વગર સ્નાયુઓને લગતા દુ:ખાવા દૂર કરી શકાય. આ એવી ચિકિત્સા પદ્ધતિ છે કે જેના સ્નાયુઓના દુ:ખાવા ઓછા સમયમાં દૂર કરી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય ચિકિત્સા પદ્ધતિ માટેના વર્કશોપની ભારત સરકારની પુન:વસન સંસ્થા `િરહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડા, જયા રિહેબના ડાયરેક્ટર મુકેશ દોશી, આસિ. ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્યાએ મહેમાનોને આવકાર્યા હતા અને ભાગ લેવા આવેલ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કરી ટેકનોલોજી ટ્રાન્સફરની મદદથી નવી ટેકનોલોજી શીખવવાની તત્પરતા દર્શાવવા બદલ બિરદાવ્યા હતા. આ વર્કશોપને સફળ બનાવવા જયા રિહેબના મુખ્યદાતા અરવિંદ શાહ અને રમેશ દેઢિયાનો વિશેષ ફાળો રહ્યો છે.

© 2023 Saurashtra Trust